જામનગર પોલીસ વિભાગ અને પીજીવીસીએલએ અસામાજિક તત્વો દ્વારા આચરવામાં આવતી વીજચોરીને ડામવા માટે કડક ચેકિંગ અંતર્ગત જામનગરમાં કોંગ્રેસના કોર્પોરેટર સહિતના સ્થળોએ ચેકિંગ કામગીરી હાથ ધરાતા કોર્પોરેટરના ઘરે 3.52 લાખની વીજચોરી ઝડપાઈ હતી. ઉપરાંત સીક્કામાં પાંચ સ્થળોએથી રૂા.40 લાખની ગેરરીતિ ઝડપાઈ હતી. જ્યારે કાલાવડમાં પણ રૂા.35000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ અંગેની વિગત મુજબ, જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી શહેર અને જિલ્લામાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સોના ઘરે પીજીવીસીએલ અધિક્ષના નેજા હેઠળ ચેકિંગ ટીમને સાથે રાખી પોલીસ અને પીજીવીસીએલ દ્વારા જિલ્લામાં સંયુકત ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર પટણીવાડ વિસ્તારમાં રહેતા કોંગ્રેસના કોર્પોરેટર અસલમ કરીમ ખીલજીના ઘરે ચેકિંગ કામગીરી દરમિયાન ગેરકાયદેસર વીજકનેકશન મળી આવતા પીજીવીસીએલની ટીમ દ્વારા વોર્ડ નંબર-12 ના કોંગ્રેસના કોર્પોેટર અસલમ કરીમ ખીલજીને રૂા.3.52 લાખની ગેરરીતિ મળી આવી હતી. તેમજ પુર્વ કોર્પોરેટર ગની ઉમર પટેલ ઉર્ફે ગની બસરના મકાનમાંથી 90 હજારની ગેરરીતિ મળી આવી હતી. તેમજ પટણીવાડમાં જુનેદ ચૌહાણના મકાનમાંથી 4,34,0000 ની ગેરરીતિ ઝડપાઈ હતી.
જામનગર પોલીસ અધિક્ષકના નેજા હેઠળ છેલ્લાં ત્રણ દિવસથી જામનગર શહેર અને તાલુકા મથકોમાં ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ વિભાગ અને પીજીવીસીએલ દ્વારા સંયુકત રીતે કડક ચેકિંગ કામગીરી અંતર્ગત ગુનાહિત ઈતિહાસ ધરાવતા અસામાજિક તત્વોના રહેણાંક મકાનોમાં સામૂહિક દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં 170 થી વધુ મકાનોમાંથી વીજચોરી ઝડપાવાની ઘટનાઓ બહાર આવી છે. આ તમામ સ્થળોએથી ઝડપાયેલી વીજચોરીમાં 1 કરોડ 04 લાખનો દંડ પીજીવીસીએલ દ્વારા ફટકારવામાં આવ્યો છે. સામાન્ય સંજોગોમાં પીજીવીસીએલ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવે છે પરંતુ આ વખતે પરિસ્થિતિ ઉલ્ટી છે પોલીસ વિભાગે અસામાજિક તત્વોના રહેણાંક મકાનોમાં પીજીવીસીએલની સાથે રાખીને ચેકિંગ ડ્રાઈવ યોજવામાં આવી છે.
ઉપરાંત કાલાવડમાં પોલીસ વિભાગ અને પીજીવીસીએલ દ્વારા ચેકિંગ કામગીરી દરમિયાન વિશ્વરાજસિંહ કનકસિંહ ચૌહાણના ઘરેથી રૂા.15000ની, ગોપાલ લવજી સીખાના ઘરેથી રૂા.20000 ની તથા ગફાર મુસાફ સમા ના ઘરેથી મીટર તથા સર્વીસ, તેમજ ધર્મેન્દ્રસિંહ આલુભા જાડેજાના ઘરેથી સર્વિસવાયર ઉતારેલ છે અને કુલ રૂા.35000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ સીક્કા પોલીસ અને પીજીવીસીએલની ટીમ દ્વારા અસામાજિક તત્વોના રહેણાંક મકાનોમાં ચેકિંગ કામગીરી દરમિયાન મુંગણી ગામના યુવરાજસિંહ કિરીટસિંહ દેદાને ત્યાં રૂા.15 લાખની ગેરરીતિ તથા સીક્કરામાં લક્ષ્મણ નારણ સિંધવને ત્યાં રૂા.17,50,000 ની ગેરરીતિ અને હિંમત ઉર્ફે મુન્નો કેશવને ત્યાં રૂા.30000 ની તથા જગદીશ ઉર્ફે જગો વાલજી ચૌહાણને ત્યાં રૂા.4,50,000ની અને મુંગણી ગામના સુરેન્દ્રસિંહ ઉર્ફે ઇલુ ભીખુભા કંચવાને ત્યાં રૂા.4,15,000 ની ગેરરીતિ મળી કુલ રૂા.40 લાખની ગેરરીતિ ઝડપાતા પીજીવીસીએલ દ્વારા અસામાજિક તત્વો વિરૂધ્ધ કુલ રૂા.12,20,000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો.