જામનગરના દરેડમાં આવેલ ગોડાઉન ઝોન, ખોડલ એસ્ટેટ તથા શ્રીનાથજી ઈન્ડસ્ટ્રીયલ પાર્ક વિસ્તારમાં આવેલ કારખાનાઓને પીજીવીસીએલ દ્વારા પડતી સમસ્યા અંગે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને કારખાનેદારો દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી અને નિયમિત વીજપૂરવઠો મળે તેવી માંગણી કરવામાં આવી હતી.
જામનગરના દરેડ પાસે આવેલ ગોડાઉન ઝોન, ખોડલ એસ્ટેટ તથા શ્રીનાથજી ઈન્ડસ્ટ્રીયલ પાર્ક વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા વીજપૂરવઠો નિયમિત પણે આપવામાં આવતો નથી. લગભગ એક પણ દિવસ એવો નથી હોતો કે વીજપૂરવઠો બંધ થયો ન હોય. તેમજ કમ્પલેઈન નંબરમાં ફોન કરવામાં આવે તો ફોન બીઝી જ આવતો હોય છે અને જો ફોન ક્ધટેકટ થઈ જાય તો વીજપુરવઠો કયારે શરૂ થશે ? તેનો સંતોષકારક જવાબ મળતો નથી. પ્રિમોન્સૂન મેન્ટેનન્સ અને રેગ્યુલર લાઈન મેન્ટેનન્સ ન થયું હોવાથી તથા જામનગર ગ્રામ્ય અને ઉદ્યોગઝોનમાં પીજીવીસીએલની ટીમ નાની હોવાથી સમયસર મેન્ટેનન્સ અને બંધ લાઇન રિપેર કરવામાં કલાકોનો સમય લાગે છે. આ વિસ્તારમાં 500 જેટલા નાના મોટા ઉદ્યોગિક એકમો આવેલ છે. જેને પરિણામે કારખાનેદારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે. આથી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને પણ દરેડ ગોડાઉન ઝોન, ખોડલ એસ્ટેટ અને શ્રીનાથજી ઈન્ડસ્ટ્રીયલ પાર્ક એસોસિએશનના કારખાનેદારો દ્વારા રજૂઆત કરાઇ હતી.