Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં મની ટ્રેડિંગ દ્વારા છેતરપિંડી પ્રકરણમાં ગુજસીટોક હેઠળ ફરિયાદ

જામનગરમાં મની ટ્રેડિંગ દ્વારા છેતરપિંડી પ્રકરણમાં ગુજસીટોક હેઠળ ફરિયાદ

- Advertisement -

જામનગરમાં રોકાણના બહાને મની ટ્રેડિંગના ધંધાર્થી એવા ધબ્બા પરિવારના ચાર સભ્યો સહિતની ટોળકીએ જામનગરના જ છ નિવૃત આર્મીમેન સહિત 54 લોકોના આશરે 14 કરોડ જેટલાં નાણાં હજમ કરી લીધા પછી પોલીસમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે હળવી કલમનો ગુનો લીધો હોવાથી તમામ આસામીઓને નારાજ થઈને તેમના વકીલ મારફતે રાજકોટની સ્પેશિયલ અદાલત સમક્ષ ગુજસીટોકની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતાં ગુજરાતમાં આ પ્રકારની સૌપ્રથમ ફરિયાદ થઈ છે.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ, જામનગરના બાલાજી પાર્ક વિસ્તારમાં રહેતા નિવૃત આર્મીમેન રણવીરપ્રતાપસિંહ સુધાકરસિંહ દરબારે જામનગરના અંબર સિનેમા રોડ પર મની ટ્રેડિંગનો વ્યવસાય કરતા હિરેન મહેન્દ્રભાઈ ધબ્બા તથા અને તેમના પરિવાર દ્વારા ચલાવવામાં આવતી ઓમ ટ્રેડિંગ કંપની નામની પેઢીમાં રોકાણ કર્યું હતું, અને પોતાની કારકિર્દી દરમિયાન ગ્રેચ્યુઇટીની એકઠી થયેલી 36 લાખ જેટલી રકમ રોકાણ માટે જમા કરાવી હતી. તેઓની સાથે અન્ય પાંચ નિવૃત આર્મીમેન જોડાયા હતા, જ્યારે શહેરના જુદા જુદા કુલ 54 જેટલા વ્યક્તિઓએ અંદાજે રૂપિયા 14 કરોડનું રોકાણ કર્યું હતું.

શરૂઆતમાં રોકાણકારોને થોડો નફો આપ્યો હતો ત્યાર પછી નફો અથવા તો મૂળ રકમ આપવાનું માંડી વાળ્યું હતું અને ઓફિસને પણ તાળા મારી દીધા હતા. અને નાણાં ચૂકવવામાં હાથ ખંખેરી લીધા હતા. આ પ્રકરણમાં સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં હળવી કલમ હેઠળનો નવ આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો. જે પૈકી ચાર આરોપીઓની અટકાયત કરી તેમની પાસેથી માત્ર અઢી લાખ જેટલી રકમની ચીજવસ્તુઓ કબજે કરવામાં આવી છે પરંતુ આરોપીઓ પાસેથી વસુલાત થાય તેવા કોઈ અણસાર નહીં હોવાથી તેમજ મની સર્ક્યુલેશન અંગે ગુજસીટોકના કાયદા હેઠળ ગુનો નોંધવો જોઈએ, તેવી પ્રક્રિયા થઇ ન હોવાના કારણે તમામ આસામીઓ દ્વારા એડવોકેટ વી. એચ. કનારા મારફતે રાજકોટની સ્પેશિયલ અદાલતના દ્વાર ખટખટાવ્યા હતા અને હિરેન મહેન્દ્રભાઈ ધબ્બા અને તેના પરિવારના મહેન્દ્ર જમનાદાસ ધબ્બા, આશાબેન હિરેનભાઈ ધબ્બા, ઉપરાંત ઓફિસનું કામ સંભાળતા હસમુખસિંહ જીતુભા પરમાર, તોસીફ બશીર ભાઈ શેખ, સંગીતાબેન મેઘરાજભાઈ લાલવાણી, પ્રવીણ ચનાભાઈ ઝાલા, નવીન નાનજીભાઈ વાઘેલા તેમજ અન્ય તપાસમાં જે ખૂલે તે તમામ સામે ગુજસીટોકના કાયદા હેઠળની ફરિયાદ નોંધાવતાં રાજકોટની સ્પેશિયલ અદાલતે ફરિયાદ નોંધી છે અને તેની સુનાવણી હાથ ધરી છે.

- Advertisement -

જે સમગ્ર મામલે જામનગરના ધારાશાસ્ત્રી વી. એચ. કરનારા દ્વારા દલીલો કરવામાં આવી રહી છે અને તેઓ દ્વારા અનેક પુરાવાઓ એકત્ર કરીને કેસની સાથે જોડ્યા છે. આવનારા દિવસોમાં આ પ્રકરણમાં અદાલત દ્વારા શું કાર્યવાહી થઈ રહી છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. સમગ્ર રાજ્યભરમાં ગુજસીટોક અંગેનો અદાલતમાં સીધો સૌ પ્રથમ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular