દ્વારકામાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રી પર દુષ્કર્મ આચારવા સબબ સ્થાનિક શખ્સ સામે ગુનો નોંધાયો છે. આ સમગ્ર પ્રકરણ અંગે સગીરાના માતા દ્વારા દ્વારકા પોલીસ મથકમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દ્વારકામાં આવેલા એક સિનેમાની સામેના વિસ્તારમાં રહેતા મનોજ સામતભાઈ પરમાર નામના શખ્સ દ્વારા ફરિયાદીની સગીર વયની પુત્રીનો એકલતાનો લાભ લઈ, અને તેણી સાથે શારીરિક અડપલા કરવા ઉપરાંત નજીકના ચરકલા રોડ પર આવેલા એક તળાવ પાસે તેણીને લઈ જઈ અને બળજબરીપૂર્વક સગીરાની સંમતિ વિના અને મરજી વિરુદ્ધ અવારનવાર સર્વે સંબંધ બાંધ્યો હતો. આટલું જ નહીં, દુષ્કર્મમાં આચરવા અંગે જો તેણી કોઈને કાંઈ કહે છે તો જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે આઈ. પી. સી. કલમ 354, 376, 506 (2), પોક્સો એક્ટની વિવિધ કલમ હેઠળ નોંધી, આગળની તપાસ ઇન્ચાર્જ પી.આઈ. એ.એલ. બારસીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.