ખંભાળિયાનીમાં રહેતા અને નગરપાલિકાના ઉપપ્રમુખના પુત્ર એવા એક વેપારી યુવાનને ભરબપોરે જાહેર માર્ગ પર અટકાવી બે શખ્સો દ્વારા બેફામ માર મારી અને છરીની અણીએ સોનાનો કિંમતી ચેન લૂંટી લેવા સબબ અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ ચકચારી બનાવની વિગત એવી છે કે ખંભાળિયાની રામનાથ સોસાયટીમાં રહેતા તથા અહીંના જોધપુર ગેઈટ ચોકમાં દુકાન ધરાવતા અને નગરપાલિકાના ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરાના 21 વર્ષીય પુત્ર રાહુલ રમેશભાઈ રાયચુરા શનિવારે બપોરે તેમના એકટીવા મોટરસાયકલ નંબર જીજે-37-ડી-1619 લઈને અહીંના નવા નાકા વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે આ સ્થળે રહેલા અકબર ઉર્ફ હકો અલીભાઈ બ્લોચ અને બાવાજી કૈલાસનાથ ઉર્ફે કૈલો ખીમનાથ કંઠરાય નામના બે શખ્સોએ રાહુલને અટકાવી અને કહેલ કે, ‘મારે અમારે તારી સાથે બાજવું છે’- જેથી રાહુલે કહેલ કે- ‘હું વેપારીનો પુત્ર છું અને ઝઘડો કરવો મારું કામ નથી’- તેમ કહેતા ઉશ્કેરાયેલા આ બંને શખ્સોએ કોઈપણ જાતના કારણ વગર રાહુલને બેફામ ગાળો કાઢી, અને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. આરોપી શખ્સોએ રાહુલને પછાડી દઇ અને અકબરે પોતાની પાસે રહેલી છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી, રાહુલે ગળામાં પહેરેલો આશરે રૂપિયા એક લાખની કિંમતનો સવા ત્રણ તોલાનો ચેન ઝુંટવી લીધો હતો.
આ બબાલ સર્જાતા આસપાસના દુકાનદારો અને રહીશો એકત્ર થઇ ગયા હતા અને રાહુલને છોડાવ્યો હતો. બાદમાં આરોપી શખ્સો સોનાનો ચેન લઈને આ સ્થળેથી નાસી ગયા હતા. આ બનાવ આ અંગે ખંભાળિયા પોલીસે બંને શખ્સો સામે આઇપીસી કલમ 379 (બી), 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ અહીંના પી.આઈ. પી.એમ. જુડાલની રાહબરી હેઠળ એએસઆઈ જે.પી. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.
વેપારી પુત્રને કોઈપણ પ્રકારના કારણ વગર અટકાવી અને જાહેરમાં સોનાનો ચેન ઝુંટવી લેવાના આ બનાવના શહેરભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. જે સંદર્ભે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી, રિમાન્ડ સહિતની ધોરણસર કાર્યવાહી કરી છે.