જામનગર શહેરના બેડી બંદર રોડ પર બેડીના ઢાળિયાથી ગરીબનગર પાણાખાણ સુધીની સરકારી જમીન ઉપર મકાન બનાવી ગેરકાયદેસર કબ્જો કરનાર શખ્સ વિરૂધ્ધ તંત્રએ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના બેડી બંદર રોડ પર બેડીના ઢાળિયાથી ગરીબનગર પાણાખાણ સુધીની સરકારી જમીન ઉપર 25 વર્ષ દરમિયાન બેડીના રજાક નુરમામદ સાયચા નામના શખ્સે ગેરકાયદેસર કબ્જો જમાવી આ સરકારી ખરાબાની રેવન્યુ સર્વે નંબર 40 પૈકીની જમીન ઉપર મકાન બનાવી દબાણ કર્યુ હતું. આ દબાણ અંગે શહેર મામલતદાર કચેરીના અધિકારી હિતેશભાઈ જાદવ દ્વારા લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવાઈ હતી. સરકારી જમીન ઉપર દબાણ આચરનાર શખ્સ સામે શહેર ડીવાયએસપી જે.એન. ઝાલા તથા સ્ટાફે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
જામનગર શહેર અને જિલ્લામાં અનેક સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર દબાણો ખડકી દેવામાં આવ્યા છે અને દબાણો વર્ષોથી અડીખમ રહ્યા છે. ત્યારે તંત્રએ 25 વર્ષથી રહેલા દબાણ અંગે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.