વડોદરાના ગુરુવારે હરણી તળાવમાં 27 લોકોને લઈને જતી એક હોડી પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં મૃત્યુઆંક વધીને 17 થઈ ગયો છે જેમાં 15 બાળકો અને બે શિક્ષકોનો સમાવેશ થાય છે. આ ઘટનામાં 18 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આ મામલે વડોદરા પોલીસ દ્વારા 9 સભ્યોની ટીમ બનાવી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
વડોદરામાં 18 જાન્યુઆરી એટલે કે ગુરુવારે બનેલી કરુણ ઘટનામાં 15 લોકોએ જીવ ગુમાવ્યા બાદ આજે મૃત્યુઆંક વધીને 17 થઈ ગયો છે. આ ઘટનાને પગલે મોડી રાત સુધી રેસ્ક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દુર્ઘટનાની તપાસ જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો તેમજ રાજ્યના મુખ્યમંત્રીએ આ ઘટનાનો 10 દિવસમા તપાસ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ પણ આપ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે, બેદરકારી દાખવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ આ દુર્ઘટના મામલે કલમ 304, 308, 337, 338, 114 મુજબ 18 લોકો સામે ગુનો દાખલ કરાયો છે.
માહિતી અનુસાર રૂંવાડા ઊભા કરી દેતી આ ઘટનાને પગલે કોટિયા કંપનીના મુખ્ય ડિરેક્ટર બિનિત કોટિયા સામે પણ ફરિયાદ દાખલ કરાઈ છે. એવી પણ માહિતી છે કે બિનિત કોટિયા રાજકીય રીતે વગદાર માણસ છે અને તેના કારણે જ તેની કંપનીને આ કોન્ટ્રાક્ટ મળ્યો હતો. વડોદરાના હરણી તળાવમાં હોડી ડૂબી જતાં થયેલા મૃત્યુથી હું વ્યથિત છું. આશા છે કે, ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જશે. સ્થાનિક તંત્ર દ્વારા પીડિતોને શક્ય તમામ મદદ પહોંચાડાઈ રહી છે. વડાપ્રધાન ફંડમાંથી દરેક મૃતકના પરિવારને રૂ. બે લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય અપાશે.
આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ’ડ’ પર સંવેદના વ્યક્ત કરી છે. તેમણે લખ્યું છે કે ‘વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જીવ ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરૂં છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપી છે.’