જામનગર જિલ્લામાં આજથી ટેકાના ભાવે ચણાની ખરીદ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં 1.15 લાખ હેક્ટરમાં ચણાનું વાવેતર કરવામાં આવ્યું છે આ વર્ષે સારો વરસાદ થતા ખેડૂતોએ ચણાના પાકનું વાવેતર કર્યું છે. આજે હાપા માર્કેટ યાર્ડ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાએ ચણાની ખરીદ પ્રક્રિયાનો પ્રારંભ કરાવ્યો હતો. જામનગર તાલુકા સંઘ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવથી 125 મણ ચણાની ખરીદી કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખેડૂતો માટે પ્રતિ 20 કિલોનાં ભાવે રૂ. 1046 ટેકાના ભાવ જાહેર કર્યા છે. રાજ્ય સરકારે ટેકાના ભાવે ચણાની ખરીદી હવે ગુજરાત સ્ટેટ. કો.ઓપ.માર્કેટિંગ ફેડરેશન (ગુજકોમાસોલ)ને સોંપી છે. જામનગરના હાપા માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતો વહેલી સવારથી જ ટેકાના ભાવે ચણાનું વહેચાણ કરવા પહોચ્યાં છે. આજરોજ હાપા ખાતે ચાર ખેડૂતોને મેસેજ કરીને બોલાવવામાં આવ્યા હતાં. જે ચારેય ખેડૂતો ટેકાના ભાવે ચણાના વેચાણ માટે પહોંચ્યા હતાં. જેમાં કુલ 175 બોરી મારફત અંદાજીત 437 મણ ચણાની ટેકાના ભાવે વેચાણ કર્યું હતું. આ તકે હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલ, યાર્ડના ચેરમેન પ્રવીણસિંહ ઝાલા સહીત અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા અને જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાએ ચણાની ખરીદ પ્રક્રિયાનો પ્રારંભ કરાવી સરકારનો આભાર વ્યક્ત કર્યો.