જામનગર સહિત રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનમાં આગામી પાંચ દિવસમાં ઘટાડો જોવા મળશે. હવામાન વિભાગે 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી કરી છે. ખાસ કરીને મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે. આગામી 5 દિવસ બાદ વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે. તો 3 દિવસ બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય હોવાથી કાતિલ ઠંડીની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ઠંડીનું જોર એકાએક વધવાનું છે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 5 દિવસ બાદ માવઠાની આગાહી કરી છે. 11થી 15 ડિસેમ્બર વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતીઓનું મીની કાશ્મીર ગણાતું માઉન્ટ આબુ પણ ઠંડુગાર બન્યું છે. માઉન્ટ આબુના હવામાનમાં ડિસેમ્બરની શરૂઆતમાં જ પલટો આવ્યો છે. આબુમાં ઠંડીનો પારો શૂન્ય ડિગ્રી નજીક પહોંચ્યો છે. તીવ્ર ઠંડી છતાં માઉન્ટ આબુમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો છે.