તુર્કીમાં શુક્રવારે મોડી સાંજે એક ભયંકર દુર્ઘટના બની હતી. તુર્કીમાં કોલસાની ખાણમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો જેમાં 22 લોકોના મોત થઈ ગયા છે અને ડઝનેક ખાણિયો ફસાય ગયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, ખાણમાં ઉત્પાદિત મિથેન ગેસના કારણે આ દુર્ઘટના બની હોવી જોઈએ. આ ઘટના તુર્કીના કાળા સાગર કિનારાની છે જ્યાં રેસ્ક્યુ ટીમ ખાણમાં ફસાયેલા કામદારોને બચાવવા માટે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. તુર્કીના આરોગ્ય મંત્રી ફહરેટિન કોકાએ આ દુર્ઘટનાને તુર્કીના સૌથી ભયંકર ઔદ્યોગિક દુર્ઘટનાઓમાંથી એક ગણાવી છે. અને કહ્યું હતું કે, ખાણમાંથી જીવતા કાઢવામાં આવેલા આઠ લોકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. બીજી તરફ ગૃહ મંત્રી સુલેમાન સોયલુએ જણાવ્યું કે, આ ખાણમાં કુલ 110 લોકો કામ કરી રહ્યા હતા. તેમાંથી કેટલાક જાતે બહાર નીકળી આવ્યા હતા જ્યારે કેટલાકને બચાવી લેવામાં આવ્યા હતા અને કેટલાક લોકો મૃત્યુ પામ્યા છે. લગભગ 50 ખનિકો જમીનની નીચે 300 થી 350 મીટર (985 થી 1,150 ફૂટ) વચ્ચેના બે અલગ-અલગ ક્ષેત્રોમાં ફસાયેલા હોવાનું કહેવાય છે.
વિસ્ફોટ બાર્ટિન પ્રાંતના અમસારા શહેરમાં એક ખાણમાં થયો હતો. બ્લાસ્ટનું કારણ જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તુર્કીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી એએફએડીએ જણાવ્યું કે, ઘટનાસ્થળે અનેક બચાવ ટીમો મોકલવામાં આવી છે. બીજી તરફ તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને જણાવ્યું કે, તેમના આજના તમામ કાર્યક્રમ રદ કરી દેવામાં આવશે અને શનિવારે દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ખનિકોને જીવતા બહાર લાવવામાં આવશે અને મૃત્યુઆંકમાં વધારો નહીં થશે. તેમણે કહ્યું કે આ માટે તમામ પ્રયાસો ચાલુ છે. તમને જણાવી દઈએ કે આ વિસ્ફોટ સૂર્યાસ્ત સમયે થયો હતો અને અંધકારને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.