ઉત્તર ભારત તરફથી આવતાં બર્ફિલા પવનને કારણે જામનગર સહિત હાલાર પંથકમાં લોકો બેઠા ઠારથી ધ્રુજી ઉઠયા છે. જામનગર શહેરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી શહેરીજનો બેઠા ઠારનો સામનો કરી રહ્યાં છે. જેને પરિણામે મોડીરાત્રે તથા વ્હેલી સવારે માર્ગો સુમસામ બનતાં જોવા મળી રહ્યાં છે. ખંભાળિયા પંથકમાં પણ છેલ્લા કેટલાંક દિવસથી તાપમાનનો પારો સડસડાટ નીચે ઉતરી રહ્યો છે. ઠંડીની માત્રામાં નોંધપાત્ર વધારો થતાં નાગરિકો હાડથીજાવતી ઠંડી અનુભવી રહ્યાં છે.
જામનગરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી લોકો બર્ફિલા પવનનો સામનો કરી રહ્યાં છે. જમ્મુ-કાશ્મિર સહિત ઉત્તરભારતમાં થયેલી હિમવર્ષા અને ઉત્તરભારતથી આવતાં બર્ફિલા પવનોને કારણે હાડથિજાવતી ઠંડી પડી રહી છે. જામનગર સહિત હાલાર પંથકમાં હિમ જેવા ઠંડા પવનોને કારણે વાતાવરણ ઠંડુગાર બની ગયું છે. જામનગર કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યાનુસાર મહત્તમ તાપમાન 24.0 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 12.5 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 47 ટકા તથા પવનની ગતિ 9 કિ.મી. પ્રતિ કલાકની નોંધાઇ હતી. બર્ફિલા પવન અને બેઠા ઠારને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. ઠંડી સામે રક્ષણ મેળવવા લોકો સ્વેટર, જેકેટ, મફલર જેવા ગરમ વસ્ત્રો પહેરવાની સાથે સાથે ચા-કોફી, કાવો જેવા ગરમ પીણા તથા તાપણાનો સહારો લઇ રહ્યાં છે.
જામનગરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી બેઠા ઠારની લોકોની સાથે સાથે પશુ-પક્ષીઓની હાલત પણ કફોડી બની છે. રાત્રીના સમયે માર્ગો પર ચહલ-પહલ પણ ઘટતી જઇ રહી છે. હાલાર પંથકમાં ઠંડીનું મોજુ ફરી વળતાં શરદી-ઉધરસના કેસો પણ વધી રહ્યાં છે. હાડ થિજાવતી ઠંડીથી લોકો બહાર નિકળવાનું ટાળી રહ્યાં છે.
ખંભાળિયા સહિત દ્વારકા જિલ્લામાં ગતરાત્રે તથા આજે વહેલી સવારે ઠંડા ફૂકાતા પવન વચ્ચે અસહ્ય ઠંડી અનુભવાઈ રહી છે. આજે સવારે તાપમાનનો પારો ગગડીને દસ ડિગ્રી સુધી પહોંચી ગયો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં બર્ફીલા પવનથી ઠંડી વધુ તીવ્ર બની છે. કડકડતી ઠંડીના કારણે રાત્રે બજારો વહેલી બંધ થઈ જવા પામી હતી અને સવારે બજારો મોડી ખુલતા કુદરતી કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. સૌથી વધુ ઠંડીની આ પરિસ્થિતિમાં ખાસ કરીને બાળકો, વૃદ્ધો સાથે પશુ-પક્ષીઓ ભારે કફોડી હાલતમાં મુકાઈ ગયા છે.