દિવાળીના તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે પ્રકાશના પર્વ દિવાળીમાં લોકો રાત્રિના સમયે દિવડાઓ પ્રગટાવતા હોય છે અને દિવાળીની ઉજવણી કરતાં હોય છે. ત્યારે જામનગરમાં દિવ્યાંગ બાળકોએ પોતાના હાથે રંગબેરંગી દિવડાઓ બનાવ્યા છે. શહેરીજનો પણ દિવ્યાંગ બાળકોએ બનાવેલા દિવડાઓની ખરીદી કરી તેમને પ્રોત્સાહન આપી રહ્યા છે.
જામનગરમાં ૐ ટ્રેનીંગ સેન્ટર ખાતે 45 જેટલા દિવ્યાંગ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. દિવાળીના તહેવાર આવી રહ્યો છે ત્યારે ૐ ટ્રેનીંગ સેન્ટરના આ બાળકો દ્વારા દિવડાઓ બનાવવામાં આવ્યા છે. છેલ્લાં બે મહિનાથી વધુ સમયથી બાળકો દિવડાઓ બનાવી રહ્યા છે. અને તેમણે 40 હજાર જેટલા રંગબેરંગી દિવડાઓ બનાવ્યા છે. સંસ્થા દ્વારા દિવ્યાંગ બાળકોમાં રહેલી પ્રતિભાને બહાર લાવાવા અને તેમની કળાને પ્રોત્સાહન આપવા માટે આ ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો છે. જામનગરના શહેરીજનો પણ દિવ્યાંગ બાળકોએ બનાવેલા દિવડાઓની ખરીદી કરી રહ્યા છે અને દિવ્યાંગ બાળકોની આ કળાને બિરદાવી તેમને પ્રોત્સાહન પૂરુ પાડી રહ્યા છે.