સગીરવયના બાળકોને લગ્ન કરાવતા વાલીઓ માટે ફરીથી લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં જામનગર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની ટીમ દ્વારા મંગળવારના રોજ કાલાવડ (શીતળા) ખાતે બાળ લગ્ન થતા અટકાવવામાં આવ્યા છે.
જામનગર જિલ્લામાં સમાજ સુરક્ષા વિભાગ અને જિલ્લા બાળ સુરક્ષા વિભાગ એ મે માસમાં પણ બે બાળ લગ્ન થતા અટકાવ્યા હતા જયારે જુન માસની શરૂઆતમાં જ કાલાવડ તાલુકામાં એક્શનમાં આવી અસરકારક કામગીરી કરી બાળ લગ્ન થતા અટકાવ્યા છે. બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડો. પ્રાર્થનાબેન શેરશીયાના જણાવ્યા અનુસાર, એક જાગૃત નાગરિકે જામનગર જિલ્લાના કાલાવડ (શીતળા)માં યોજાઈ રહેલા લગ્ન બાળ લગ્ન હોવાની જાણ કરી હતી. જાણકારીના આધારે સમાજ સુરક્ષા ટીમ, બાળ સુરક્ષા ટીમ અને કાલાવડ ટાઉનના પોલીસ સ્ટેશનમાં થી પીઆઈ યુ. એચ. વસાવાની ટીમ કાલાવડ (શીતળા) ગામ ખાતે પહોંચી હતી અને 17 વર્ષની સગીરાના થનારા બાળ લગ્ન અટકાવી અને કાયદાકીય જાણકારી આપી દીકરી પુખ્તવયની થયા બાદ જ તેણીના લગ્ન કરાવવા પરિવારજનોને સમજણ આપી હતી.