રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર તરીકે ઇન્ચાર્જમાં રહેલા અધિકારીને જામનગર એસીબીની ટીમે રૂા. 1,80,000ની લાંચ લેતાં રંગેહાથ ઝડપી લેતાં અરેરાટી ફેલાઇ ગઇ છે.
આ અંગેની વિગત મુજબ રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં થયેલા અગ્નિકાંડમાં બે ડઝનથી વધુ લોકોએ જીવ ગુમાવ્યાની ઘટનાએ ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો હતો અને આ અગ્નિકાંડમાં રાજકોટના અનેક અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ ચાર્જશીટ પર રજૂ કરી દેવામાં આવી છે. આ અગ્નિકાંડની આગ હજૂ ઠરી નથી ત્યાં રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર તરીકે ચાર્જમાં રહેલા અનિલ બેચર મારુએ ફાયર સેફટી અંગે એનઓસી આપવા માટે જાગૃત નાગરિક પાસેથી રૂા. 3 લાખની લાંચની માગણી કરી હતી. જે પેટે નાગરીકે રૂા. 1,20,000 ચૂકવી દીધા હતાં. તેમજ બાકીના રહેતા રૂા. 1,80,000 ચાર-પાંચ દિવસમાં આપી દેવાનું કહ્યું હતું પરંતુ નાગરિકે જાગૃતતા દાખવીને જામનગર એસીબીનો સંપર્ક કર્યો હતો. જેના આધારે રાજકોટ એસીબી મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના માર્ગદર્શન હેઠળ પીઆઇ આર.એન. વિરાણી તથા સ્ટાફે સોમવારે છટકુ ગોઠવ્યું હતું અને રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં ચીફ ફાયર ઓફિસરની કચેરીમાં જ અનિલ બેચર મારુ નામના ચીફ ફાયર ઓફિસરને એસીબીની ટીમે રૂા. 1,80,000ની લાંચ લેતાં રંગેહાથ ઝડપી લીધો હતો.
ગેમઝોનમાં અગ્નિકાંડ બાદ પણ ચાર્જમાં રહેલા ચીફ ફાયર ઓફિસર અનિલ બેચર મારુ નામના ભ્રષ્ટાચારી અધિકારીએ અગ્નિકાંડના થોડા સમય બાદ જ પોતાનું પોત પ્રકાશી લાંચ લેવાનું શરુ કરી દીધું હતું. આ અધિકારીને આવા સમયમાં રાજકોટ મહાનગરપાલિકાનો ચાર્જ આપનાર રાજ્ય સરકાર પણ વિચારતી થઇ ગઇ છે કેમ કે, આવા ભ્રષ્ટ અધિકારીઓ અગ્નિકાંડ બાદ પણ સુધરવાનું નામ પણ લેતાં નથી અને સરકાર પગાર ઉપરાંતની સુવિધાઓ આપી હોવા છતાં લાખોની લાંચ લેતાં શરમ અનુભવતા નથી. બેશરમ થઇ બેખોફ લાંચની માગણી કરતાં હોય છે. એસીબી દ્વારા આ લાંચીયા અધિકારીને ઝડપી લઇ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.