જામનગર નજીકના સીક્કાના મધ દરિયામાં વિદેશી શીપમાં એક વિદેશી નાગરિકનું કોરોનાની બીમારીમાં મૃત્યુ થયું હતું. આ શિપમાં 17 વિદેશી નાગરિકો બિમાર પડયા હોવાથી તેમાંથી પાંચ વિદેશી નાગરિકોને જામનગરની જી. જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે તબીબી ટૂકડીને મધ દરિયામાં મોકલવામાં આવી છે. તંત્રની પણ દોડધામ વધી જવા પામી છે. જ્યારે શિપમાં મૃત્યુ પામનાર વિદેશી નાગરિકની અંતિમવિધિ સીક્કા ગામમાં કરવામાં આવશે તે માટે જરૂરી કાર્યવાહી ચાલી રહી છે.
આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના સીક્કાના મધદરિયામાં ઈન્ડોનેશિયાથી આવેલી પેટ્રોમીના કંપનીની ગુલાંગ ગોંગ નામની એક શિપમાં કુલ 17 ઈન્ડોનેશિયન નાગરિકો છે. તે પૈકીના એહમદ રી અલી નાગરિકનું કોરોનાની બીમારી સબબ મૃત્યુ થતાં સમગ્ર પ્રકરણ પ્રકાશમાં આવ્યું હતું. આ બાબતની જાણ જામનગરના સબંધિત તંત્રને કરવામાં આવતાં જ તંત્ર દોડતું થયું હતું. પ્રાથમિક તપાસમાં વિદેશી નાગરિકનું મૃત્યુ કોરોનાના કારણે થયું હોવાનું જાણવા મળે છે. આથી જામનગરથી એક તબીબી ટુકડીને સમુદ્રમાં મોકલવામાં આવી હતી અને શિપમાં રહેલા અન્ય 17 વિદેશી નાગરિકોની આરોગ્ય વિષયક તપાસણી કરવામાં આવી રહી છે. જો કે, મળતી માહિતી મુજબ શિપના તમામ વિદેશી નાગરિકો બિમાર છે. તેમાંથી અમુક કોરોનાની ઝપેટમાં ચઢી ગયા હોવાથી પાંચ વિદેશી નાગરિકોને જામનગરની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય તમામને શિપમાં જ કોરોન્ટાઈન કરી દેવામાં આવ્યા છે.
વધુમાં મળતી વિગત મુજબ, ઈન્ડોનેશિયન નાગરિકનું મધદરિયે કોરોનાથી મૃત્યુ થવાથી તેની અંતિમવિધિ જામનગર તાલુકાના સીક્કા ગામમાં કરવામાં આવનાર છે. આ માટે જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર જુદી જુદી મંજૂરી મેળવવા માટે વ્યસ્ત બન્યું છે. બનાવની જાણ થતા બેડી મરીન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.