Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયચેન્નાઇ સુપરકિંગ્સ 10મી વાર આઇપીએલની ફાઇનલમાં

ચેન્નાઇ સુપરકિંગ્સ 10મી વાર આઇપીએલની ફાઇનલમાં

પ્રથમ કવોલિફાયરમાં ગુજરાત ટાઇન્ટસને 15 રને હરાવ્યું : રવીન્દ્ર જાડેજાનો ઓલરાઉન્ડ દેખાવ

- Advertisement -

ધોનીના ધુરંધરોએ અંતે ગુજરાત ટાઈટન્સને પરાજયનો સ્વાદ ચખાડી જ દીધો છે. હાર્દિક પંડ્યાની ટીમ સામે ચાર મેચમાં પહેલી જીત સાથે ચેન્નાઈ સુપરકિંગ્સ રેકોર્ડ દસમી વાર આઈપીએલના ફાઈનલમાં પહોંચી ગઈ છે. બીજી બાજુ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત પાસે હજુ પણ ફાઈનલમાં પહોંચવાની તક રહેશે. તેણે હવે 26 મેએ ક્વોલિફાયર-2માં રમવું પડશે અને તેમાં જીત મેળવનારી ટીમ ફાઈનલમાં ચેન્નાઈ સામે ટકરાશે.

- Advertisement -

ગુજરાતની ટીમ 173 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં અંતિમ બોલે 157 રને ઢેર થઈ જતાં ચેન્નાઈનો 15 રને વિજય થયો હતો. ગુજરાતે નિયમિત અંતરાલે વિકેટ ગુમાવ્યે રાખી જે તેની હારનું મુખ્ય કારણ ગણી શકાય. ગીલ (42 રન) અને રાશિદ ખાન (30 રન) સિવાય કોઈ પણ બેટર 20 રન સુધી પહોંચી શક્યો ન્હોતો.

આ બન્ને ઉપરાંત શનાકા 17, વિજય શંકર 14 અને સાહા 12 રન એમ ત્રણ બેટર જ બે આંકના સ્કોર સુધી પહોંચ્યા હતા. ચેન્નાઈ વતી દીપક ચાહર, પથીરાના, જાડેજા અને તિક્ષ્ણાએ બે-બે વિકેટ ખેડવી હતી. આ પહેલાં ચેન્નાઈએ ઋતુરાજ ગાયકવાડ (60 રન) અને ડેવોન કોન્વે (40 રન)ની ઈનિંગથી સાત વિકેટે 172 રન બનાવ્યા હતા. દર્શન નાલકંડેએ બીજી ઓવરમાં જ ઋતુરાજને ગીલના હાથે કેચ કરાવ્યો હતો પરંતુ આ બોલને નો-બોલ જાહેર કરવામાં આવ્યો હતો. ઋતુરાજે આ જીવતદાનનો ફાયદો ઉઠાવીને કોન્વે સાથે પહેલી વિકેટ માટે 87 રનની ભાગીદારી કરી હતી. આ સાથે જ તેણે સીઝનની ચોથી અને કરિયરની 14મી ફિફટી બનાવી હતી. આ બન્નેએ સીઝનમાં આઠમી વખત 50+ની ભાગીદારી કરી હતી. મોહિત શર્માએ ઋતુરાજને મીલરના હાથે લોગ ઑન પર કેચ કરાવીને આ ભાગીદારીનો અંત આણ્યો હતો. ઋતુરાજે ગુજરાત વિરુદ્ધ સળંગ ચોથી વખત ફિફટીની ઈનિંગ રમી હતી. આ ઉપરાંત રહાણે (17 રન) અને રાયડુ (17 રન) સારી શરૂઆતને મોટી ઈનિંગમાં બદલવામાં નિષ્ફળ નિવડ્યા હતા. ધોની બે બોલમાં એક રન બનાવીને આઉટ થયો હતો જ્યારે જાડેજાએ 16 બોલમાં 22 રનનું યોગદાન આપ્યું હતું.

- Advertisement -

ચેન્નાઈ-ગુજરાત વચ્ચેના ક્વોલિફાયર-1 મુકાબલામાં અનેક રેકોર્ડ બન્યા છે. ચેન્નાઈ દસમી વખત ફાઈનલમાં પહોંચી છે. આ સાથે જ સૌથી વધુ વખત ફાઈનલ રમનારી ટીમ બની છે. આ ઉપરાંત શુભમન ગીલ (ગુજરાત ટાઈટન્સ)ના આ સીઝનમાં 722 રન બની ગયા છે. ગીલ એક સીઝનમાં 700+ રન બનાવનારો માત્ર બીજો ભારતીય છે. તેના પહેલાં 2016માં કોહલીએ 973 રન બનાવ્યા હતા. રવીન્દ્ર જાડેજાની આઈપીએલમાં 150 વિકેટ પૂર્ણ થઈ ગઈ છે. તે આવું કરનારો દસમો બોલર છે. 225 મેચમાં જાડેજા અહીં સુધી પહોંચ્યો છે. આઈપીએલમાં ગુજરાત સામે ચેન્નાઈને પહેલીવાર જીત મળી છે તો હાર્દિક પંડ્યાની ટીમ ગુજરાત આઈપીએલમાં પહેલીવાર ઑલઆઉટ થઈ છે. જ્યારે દર્શન નાલકંડે લીગ ઈતિહાસનો પાંચમો એવો ખેલાડી છે જેણે સીઝનની પોતાની પહેલી મેચ પ્લેઑફમાં રમી છે. હાર્દિક પંડ્યાએ યશ દયાલની જગ્યાએ દર્શનને ટીમમાં સમાવ્યો હતો અને તેણે અજિંક્ય રહાણેને આઉટ કરી સીઝનની પહેલી વિકેટ મેળવી હતી. દર્શન પહેલાં 2010માં બેંગ્લોરે નયન દોશી, 2012માં દિલ્હીએ સન્ની ગુપ્તા, હૈદરાબાદે 2016માં ટ્રેન્ટ બોલ્ટ અને 2018માં ખલીલ અહમદને સીધા પ્લેઑફમાં ઉતાર્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular