જામજોધપુરમાં ધુમ્રપાન પ્રતિબંધ કાયદા હેઠળ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 31 કેસ કરી રૂા. 6100નો દંડ પણ વસુલ કરવામાં આવ્યો હતો.
જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એચ. ભાયા એપેડેમિક મેડિકલ ઓફિસર ડો. એસ.આર. રાઠોડના માર્ગદર્શન હેઠળ જામજોધપુર તાલુકા હેલ્થ ઓફિસર ડો. અલ્તાફ વૈષ્નાણીની દેખરેખ હેઠળ જામજોધપુરમાં આવેલ દુકાનોમાં કોટપા-2003 ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન ચાર જાહેર સ્થળોએ ધૂમ્રપાન પર પ્રતિબંધ અંતર્ગત છ કેસ કરવામાં આવ્યા હતાં. તેમજ 18 વર્ષથી નીચેની વયની વ્યક્તિઓને તમાકુ કે તમાકુની બનાવટ વેચવા પર પ્રતિબંધ અંતર્ગત 14 કેસ, શૈક્ષણિક સંસ્થાઓની 100વારના વિસ્તારમાં તમાકુની બનાવટના વેચાણ પર પ્રતિબંધ અંતર્ગત 11 સહિત કુલ 31 કેસ કરવામાં આવ્યા હતાં અને રૂા. 6100નો દંડ કરાયો હતો.
જિલ્લા આઇઇસી ઓફિસર નિરજભાઇ મોદી, તાલુકા સુપરવાઇઝ ડી.બી. અપારનાથી, જિલ્લા કાઉન્સિલર નઝમાબેન હાલા, સામાજિક કાર્યકર ગૌતમ સૌદરવા, જામજોધપુરના પો. કોન્સ. વિમલભાઇ વરુ તથા કૃણાલભાઇ હાલા વગેરે ઉપસ્થિત રહી કાર્યવહી કરી હતી.