પીજીવીસીએલ દ્વારા સતત બીજા દિવસે હાલાર પંથકમાં વીજ ચેકિંગ હાથ ધર્યુ હતું. જેમાં 69 વીજ જોડાણોમાંથી ગેરરીતિ ઝડપી લઇ જે-તે આસામીઓને રૂા. 38.70 લાખના વીજ પૂરવણી બીલો ફટકારવામાં આવ્યાં હતાં.
દિવાળીના તહેવારો બાદ પીજીવીસીએલ દ્વારા હાલારપંથકમાં વીજ ચોરીના દૂષણોને ડામવા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. સતત બીજા દિવસે હાલાર પંથકમાં વીજ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગઈકાલે જામનગર પીજીવીસીએલની 31 જેટલી ટીમો દ્વારા 15 લોકલ પોલીસ તથા 12 એકસ આર્મીમેનની સાથે રાખી જામનગર શહેરના અમનચમન સોસાયટી, મહાપ્રભુજીની બેઠક, હાપા માર્કેટ યાર્ડ, કાલાવડ નાકા બહાર સહિતના વિસ્તારો તેમજ ઓખાના ટુપણી, ચરકલા, અણિયારી, નાગેશ્ર્વર અને ઓખા સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધર્યુ હતું. આ ચેકિંગ દરમિયાન 404 જેટલા વીજ જોડાણો ચેક કરવામાં આવ્યાં હતાં. જે પૈકી 69 વીજજોડાણોમાંથી ગેરરીતિ મળી આવતા વીજતંત્ર દ્વારા જે-તે આસામીઓને કુલ રૂા.38.70 લાખના પૂરવણી બીલ ફટકાર્યા હતાં.
પીજીવીસીએલ દ્વારા બે દિવસમાં કુલ 90.75 લાખની વીજ ચોરી ઝડપી લઇ વીજચોરો સામે કાર્યવાહી કરી હતી. વીજતંત્રની કાર્યવાહીને કારણે વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો.