જામનગરમાં રહેતી ચાર વર્ષની બાળકીને નેપાળી શખ્સ દ્વારા ચોકલેટની લાલચ આપી દુષ્કર્મ આચર્યાની ઘટનામાં પોલીસે તાત્કાલિક કડક કાર્યવાહી અંતર્ગત શખ્સને ઝડપી લઇ અને માત્ર પાંચ જ દિવસમાં પૂરાવા એકત્ર કરી, નિવેદન નોંધી ચાર્જશીટ અદાલતમાં ફાઈલ કરી દેવામાં આવી છે.
આ અંગેની વિગત મુજબ, એક શખ્સે ચાર વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચર્યુ હોવાની જાણ થતા જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક વી.ડી.વસાવાના માર્ગદર્શન હેઠળ સિટી સી પીઆઈ પી.એલ. વાઘેલા તથા સ્ટાફે ભોગ બનનારના પિતાની પૂછપરછ કરતા ચાર વર્ષની એક બાળકી પોતાના ઘર પાસે રમી રહી હતી. જે દરમિયાન તેનો જ પરિચિત એવા કે જેને મામા કહીને બાળકી બોલાવતી તે મૂળ નેપાળનો વતની અને હાલ દિગ્જામ સર્કલ નજીક નવા પુલ નીચે રહેતો સર્જન ઉર્ફે સાજન જંગ બહાદુર વિશ્વકર્મા નેપાળી (ઉ.વ.35) બાળકીના ઘર પાસે આવી તેના દાદી પાસે પાણી પીવા માટે માગ્યું હતું. તેથી બાળકીની દાદીએ પાણી પીવાડવ્યા પછી નરાધમ શખ્સે બાળકીને ચોકલેટ લઇ આપું તેમ કહી પોતાની સાથે લઇ ગયો હતો જેને એક કરિયાણાની દુકાનેથી ચોકલેટ અપાવ્યા પછી આવાસ રોડ પર થોડી દૂર સુધી શારીરિક અડપલા કર્યા હતાં. તેથી બાળકીને ઈજા થતાં લોહી લુહાણ કરી મુકી હતી. જેથી નેપાળી શખ્સે બાળકીને તરત જ તેના ઘર વિસ્તાર પાસે છોડી પોતે ભાગી છૂટયો હતો. દરમિયાન ગંભીર ઘવાયેલી બાળકી પોતાના ઘરે પહોંચી હતી જ્યાં પોતાની માતાને બનાવની જાણ કરતા અને મામા મામાનું સંબોધન કરતાં બાળકીના માતાએ તરત જ બાળકીના પિતાને બોલાવી લીધા હતાં.
જેના આધારે સિટી સી ડિવિઝનના પીઆઇ પી.એલ. વાઘેલા, એન.એ. ચાવડા સહિતના સ્ટાફ દ્વારા સર્જન ઉર્ફે સાજન જંગબહાદુર વિશ્વકર્મા નામના નેપાળી શખ્સની ગણતરીની કલાકોમાં ધરપકડ કરી હતી. આરોપી દ્વારા ચાર વર્ષની બાળકીને ચોકલેટ આપવાની લાલચે ફરિયાદીના મકાનેથી અપહરણ કરી લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું. આરોપીને સખ્તમાં સખ્ત સજા થાય તે માટે પોલીસ અધિકારીઓની જુદી જુદી ટીમો બનાવી આ કેસના પુરાવા એકત્રિત કરી માત્ર પાંચ જ દિવસમાં પોલીસ દ્વારા ચાર્જશીટ ફાઈલ કરી દેવામાં આવી હતી. પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બાળકી અને તેના પરિવારજનોને તાત્કાલિક ન્યાય મળે તે માટે ટૂંકાગાળામાં નરાધમ આરોપી વિરુધ્ધની ચાર્જશીટ અદાલતમાં રજૂ કરી હોવાનું ડીવાયએસપી વરૂણ વસાવાએ જણાવ્યું હતું.