જામનગર જિલ્લામાં બિપરજોય વાવાઝોડાથી વિવિધ વિસ્તારોમાં થયેલ નુકસાનની સ્થળ આકારણી માટે કેન્દ્ર સરકારની ઇન્ટર-મિનિસ્ટેરિયલ સેન્ટ્રલ ટીમ (IMCT) જામનગર જિલ્લાની મુલાકાતે આવી હતી. આ ચાર સભ્યોની ટીમે ‘બિપરજોય’ વાવાઝોડા દરમિયાન પ્રભાવિત થયેલ જિલ્લાના વિવિધ સ્થળોની રૂબરૂ મુલાકાત કરીને નુકસાન અંગે સ્થળ આકારણી કરી હતી.
જામનગર જિલ્લામાં બિપરજોય વાવાઝોડામાં થયેલ નુકસાન અંગે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી-NDMAના સંયુક્ત સચિવ અને IMCTના ટીમ લીડર હર્ષ ગુપ્તા તેમજ જિલ્લા કલેક્ટર બી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજની ઉપસ્થિતિમાં જિલ્લાના વિવિધ વિભાગો સાથે કલેકટર કચેરીના સભાખંડ ખાતે સમીક્ષા બેઠક પણ યોજી હતી.જેમાં કેન્દ્રીય ટીમને આવકારતાં કલેક્ટરએ બિપરજોય વાવાઝોડાની માહિતી આપતાં કહ્યું હતું કે, અમે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત માર્ગદર્શન અને વહીવટીતંત્રની સજાગતાના પરિણામે વાવાઝોડા દરમિયાન ઝીરો કેજયુલિટીના લક્ષયને હાંસલ કરી શક્યા છીએ.આ તકે કલેક્ટરએ બિપરજોય વાવાઝોડાથી બચવા સ્થાનિક વહીવટી તંત્રએ રાજય સરકારના સંકલનમાં રહીને કરેલી કામગીરીની રૂપરેખા આપી હતી.તેમજ વિવિધ વિભાગો દ્વારા વાવાઝોડામાં નુકસાન અંગે રજૂ કરાયેલ પ્રેઝન્ટેશન પરથી કેન્દ્રીય ટીમેને માહિતગાર કરી જરૂરી વિગતો આપી હતી.
IMCTના ટીમ લીડર હર્ષ ગુપ્તા સહિત ટીમના તમામ સભ્યોએ સમીક્ષા બેઠક બાદ જિલ્લાના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેની ઝુપડપટ્ટી, રામપર-બાલાચડી રોડ, મોટી બાણુગર ખાતે મકાનો તથા રોડના પ્રભાવિત સ્થળો, ખીજડિયા રોડ, આમરા, બાલંભડી તથા જીવાપર સહિતના સ્થળોની રૂબરૂ મુલાકાત લઈ નુકસાની અંગેની જરૂરી સમીક્ષા કરી હતી અને જણાવ્યું હતું કે બિપરજોય વાવાઝોડાથી પ્રભાવિત થયેલા જિલ્લાના વિવિધ સ્થળોની આકારણી કરી નુકસાનનો અંદાજ મેળવી કરેલી કામગીરીની માહિતી મેળવવામાં આવી છે. વાવાઝોડાથી થયેલા નુકસાન અંગે ગુજરાતને જરૂરી સહાય કરવા ભારત સરકાર હકારાત્મક અભિગમ ધરાવે છે.
આ બેઠકમાં અધિક કલેક્ટર બી.એન.ખેર, ઇ.ચા.પોલીસ અધિક્ષક વાઘેલા, સર્વે પ્રાંત અધિકારીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી, વન વિભાગ, પી.જી.વી.સી.એલ., માર્ગ અને મકાન વિભાગ, મહાનગરપાલિકા, પશુપાલન, ખેતીવાડી, સિંચાઈ, આરોગ્ય સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.