વિશ્ર્વમાં કોરોનાના ફરી એક વખત વધતા કેસોને ઘ્યાને લઇ દેશમાં સમીક્ષા કરવા માટે કેન્દ્રએ હાઇ લેવલ મીટિંગ કરી હતી. વડાપ્રધાનના મુખ્ય સચિવ પી.કે. મિશ્રાએ કોવિડ-19ની વર્તમાન સ્થિતિ અને તૈયારીઓની સમીક્ષા માટે આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન રાજ્યોને ટેસ્ટિંગ વધારવા, જીનોમ સીક્વેન્સિંગ અને કોરોના વાયરસના નવા વૈશ્વિક વેરિએન્ટ પર નજર રાખવા કહ્યું છે. તાજેતરમાં કોરોનાના નવા વેરિએન્ટ BA.2.86થી કેટલાક દેશમાં કોરોનાના કેસ વધ્યા છે. આ હાઇ લેવલ મીટિંગમાં નીતિ આયોગના સભ્ય ડો. વિનોદ પોલ, કેબિનેટ સચિવ રાજીવ ગૌબા, પીએમઓના સલાહકાર અમિત ખરે અને અન્ય અધિકારી સામેલ થયા હતા.
આરોગ્ય સચિવ સુધાંશ પંતે COVID-19ની વૈશ્વિક પરિસ્થિતિની માહિતી આપી હતી, જેમાં SARS-CoV-2 ના નવા પ્રકારોનો ઉલ્લેખ પણ સામેલ હતો. Ba.2.86 (Pirola) અને EG.5 (અશિત) સહિત વાયરસના નવા વેરિએન્ટના વૈશ્વિક સ્તરે કેસ નોંધાયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, અશિત વેરિએન્ટના નવા કેસો 50 થી વધુ દેશોમાં નોંધાયા છે. સ્વાસ્થ્ય સચિવે જણાવ્યું કે, દેશમાં નવા વેરિએન્ટના કેસની દૈનિક એવરેજ 50થી ઓછી છે. છેલ્લા સાત દિવસમાં વૈશ્ર્વિક સ્તરે કોવિડના કુલ 2,96,219 નવા કેસ નોંધાયા હતા, જ્યારે આ સમયગાળા દરમિયાન ભારતમાં 223 નવા કેસ નોંધાયા હતા. વૈશ્ર્વિક અને રાષ્ટ્રીય કોવિડ પરિસ્થિતિ, નવા વલણો અને લોકોના સ્વાસ્થ્ય પર તેની અસરની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
પી.કે.મિશ્રાએ કહ્યું કે, દેશમાં કોવિડ-19ની સ્થિતિ સ્થિર બનેલી છે પરંતુ રાજ્યોને જીનોમ સીક્વેન્સિંગમાં ઝડપ લાવતા નવા વૈશ્વિક વેરિએન્ટ પર નજર રાખવાની છે. રાજ્યોએ ઇન્ફ્લૂએન્જા જેવી બીમારી અને ગંભીર તીવ્ર શ્વસન સંક્રમણ પર નજર રાખવાની જરૂર છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ગઈકાલે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, કોરોના વાયરસના સંક્રમણથી અત્યાર સુધી 5,31,926 દર્દીના મોત થયા છે. અત્યાર સુધી સંક્રમિત થઇ ચુકેલા લોકોની સંખ્યા 4,49,96,653 છે.