જામનગર સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજરોજ ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. હાલમાં કોરોના મહામારી વચ્ચે સરકારી ગાઇડલાઇનના પાલન સાથે આ વર્ષે મર્યાદિત સંખ્યામાં કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે. જામનગરની આણદાબાવા સેવા સંસ્થા, પ્રણામી સંસ્થા ખિજડા મંદિર, સ્વામીનારાયણ મંદિર, કબિર આશ્રમ, મોટી હવેલી, બાલા હનુમાન સંકિર્તન મંદિર, શિરડી સાઇબાબા મંદિર સહિત શહેરમાં આવેલ અનેક ધાર્મિક સંસ્થાઓ, મંદિરોમાં ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આણદાબાવા સેવા સંસ્થાના અધ્યક્ષ પ.પૂ. મહંત દેવપ્રસાદજી મહારાજની નિશ્રામાં પ્રાચીન પરંપરા મુજબ ગુરૂપૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરાઇ હતી.
આ ઉપરાંત જામનગરના 5-નવતનપુરીધામ ખિજડા મંદિર ખાતે ગુરૂપૂર્ણિમા નિમિત્તે ત્રિદિવસિય સેવાકીય પ્રકલ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગઇકાલે હેલ્થ કેમ્પ યોજાયા બાદ આજરોજ ગુરૂપૂજન તથા ગુરૂવંદના સાથે ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી આચાર્ય 108 કૃષ્ણમણિ મહારાજની નિશ્રામાં કરવામાં આવી હતી. આ તકે નગરના મેયર બીનાબેન કોઠારી, ડે.મેયર તપન પરમાર, સ્ટે. કમિટી ચેરમેન મનિષભાઇ કટારીયા, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડયા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઇ બાંભણીયા, વિજયસિંહ જેઠવા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. કોરોનાની મહામારી વચ્ચે આજે ગુરૂપૂર્ણિમા મહોત્સવની મર્યાદિત કાર્યક્રમો વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી.
દરવર્ષે વિવિધ સંસ્થાઓમાં મહાપ્રસાદ સહિત અનેકવિધ કાર્યક્રમો યોજાતા હોય છે. પરંતુ આ વર્ષે સરકારી ગાઇડલાઇનને ધ્યાને લઇ મર્યાદિત સંખ્યા વચ્ચે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. ગુરૂજીના આશિર્વાદ પ્રાપ્ત કરવા ગુરૂમંદિરો અને આશ્રમોમાં વ્હેલી સવારથી જ ભાવિક ભક્તો તથા શિષ્યગણ ઉમટી પડયા હતાં અને ગુરૂવંદના કરી ગુરૂ પ્રત્યેની કૃત્જ્ઞતા અભિવ્યક્ત કરી હતી.