બ્રહ્મસમાજના આરાધ્યદેવ ભગવાન પરશુરામના જન્મોત્સવની જામનગરમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. પરશુરામ જન્મોત્સવ અંતર્ગત બ્રહ્મદેવ સમાજ-ગુજરાત જામનગરની ટીમ દ્વારા ત્રિ-દિવસિય વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાઇક રેલી, ભગવાન પરશુરામગાથા સહિતના કાર્યક્રમો યોજાયા બાદ આજે પરશુરામ જયંતિ નિમિત્તે મહાયજ્ઞ તેમજ ધ્વજાપૂજન વિધિ સહિતના કાર્યક્રમો બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સાંજે બાલા હનુમાન મંદિર ખાતેથી પરશુરામ શોભાયાત્રા નિકળશે.
ભગવાન પરશુરામ જન્મોત્સવ ઉજવણી અંતર્ગત બ્રહ્મદેવ સમાજ દ્વારા આજરોજ કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે પૂજાવિધિ યોજાઇ હતી. તેમજ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બ્રહ્મસમાજમાં લોકો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું. સમસ્ત સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મસમાજના ટ્રસ્ટી નરેન્દ્રભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આજે સાંજે 5:30 વાગ્યે બાલાહનુમાન મંદિર ખાતેથી શોભાયાત્રાનો પ્રારંભ થશે. જેને સુપ્રસિધ્ધ ભાગવતાચાર્ય પ.પૂ. રમેશભાઇ ઓઝા પ્રસ્થાન કરાવશે. તેમજ આ તકે સુપ્રસિધ્ધ હાસ્ય કલાકાર સાઇરામ દવે પણ ઉપસ્થિત રહેશે. આ શોભાયાત્રામાં ભગવાન પરશુરામની પાલખી તેમજ 30થી 35 જેટલા રથ જોડાશે. જે શહેરના વિવિધ રાજમાર્ગો ઉપરથી પસાર થઇ પંચેશ્વર ટાવર નજીક પૂર્ણ થશે. તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા શોભાયાત્રાનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવશે.
આજે સવારે યોજાયેલા મહાયજ્ઞ સહિતના કાર્યક્રમમાં સમસ્ત સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મસમાજના જામનગરના ટ્રસ્ટી નરેન્દ્રભાઇ ત્રિવેદી, વોર્ડ નં. 5ના કોર્પોરેટર આશિષભાઇ જોશી તેમજ વસુબેન ત્રિવેદી, બ્રહ્મદેવ સમાજ જામનગર શહેર પ્રમુખ કેતનભાઇ ભટ્ટ સહિતના બ્રહ્મસમાજના અગ્રણીઓ તેમજ બ્રહ્મસમાજના લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યક્રમોનો લાભ લીધો હતો.