જામનગર શહેર-જિલ્લામાં ચોરીના બનાવો ચિંતાજનક રીતે વધતા જાય છે. તેમાં ધ્રોલ તાલુકાના નાના વાગુદડ ગામમાં આવેલા મેલડી માતાજીના મંદિરમાં અજાણ્યા તસ્કરોએ તાળા તોડી પ્રવેશ કરી માતાજીને ચડાવેલા ત્રણ છતરો અને રૂા.10,000 ની રોકડ રકમ મળી કુલ રૂા.22,000 ની માલમતા ચોરી કરી ગયા હતાં.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના નાના વાગુદડ ગામમાં આવેલા મેલડી માતાજીના મંદિરે શનિવારે મધ્યરાત્રિના 3 વાગ્યાથી 5 વાગ્યા સુધીના બે કલાકના સમય દરમિયાન બે અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતાં અને મુખ્ય દરવાજાના તાળા તોડી મંદિરમાં પ્રવેશ કરી માતાજીને ચડાવેલા રૂા.12,000 ની કિંમતના ત્રણ ચાંદીના છતર તથા દાન-પેટીમાંથી રૂા.10 હજારની રોકડ રકમ મળી કુલ રૂા.22,000 ની માલમતા ચોરી કરી ગયા હતાં. આ ચોરીના બનાવ બચુભાઈ દેવશીભાઈ બાંભવા દ્વારા જાણ કરાતા પીએસઆઈ પી જી પનારા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મંદિરમાં રહેલા સીસીટીવી ફુટેજના આધારે તપાસ આરંભી તસ્કરોનું પગેરૂ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતાં.