જામનગર શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. જામનગર મહાનગરપાલિકાનું તંત્ર અવાર-નવાર રખડતા ઢોર પકડવાની કામગીરી નો દેખાડો કરતું હોય છે. પરંતુ આ સમસ્યા જેમની તેમ જોવા મળી રહી છે. જાહેર માર્ગો પર અબોલ પશુઓના અડીંગાને કારણે અવાર-નવાર અકસ્માતો થાય છે. તેમજ થોડા સમયથી રખડતા પશુઓ દ્વારા શહેરીજનો ઉપર હુમલા કરવાની ઘટનાઓ પણ ચિંતાજનક રીતે વધી ગઈ છે. પરંતુ આ સમસ્યાના નિરાકરણ માટે જામ્યુકો દ્વારા લાંબાગાળાનું કોઇ આયોજન કરવામાં આવતું નથી. જેનો ભોગ શહેરીજનો બની રહ્યા છે. જામનગર શહેરના લગભગ તમામ વિસ્તારોમાં રખડતા ઢોરની સમસ્યા જોવા મળી રહી છે. એક પણ માર્ગ એવો નહીં હોય કે જ્યાં રખડતા ઢોરની સમસ્યા જોવા ન મળે. જામનગરના મહાપ્રભુજી બેઠકના મુખ્ય પુલ પર પણ રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. જેના પરિણામે અહીંથી અવર-જવર કરતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જામનગર મહાનગરપાલિકાનું તંત્ર ઢોર પકડવાની કામગીરી માત્ર કાગળો પર જ દર્શાવતું હોય, આ રખડતાં પશુ કોઇ વ્યક્તિને હડફેટે લેશે તો જવાબદાર કોણ ? તેમ લોકમુખે ચર્ચા સાથે આક્રોશની લાગણી છવાઈ છે.