જામનગર શહેરમાં સત્યમ કોલોની પાસે આવેલી રેડીમેડ કપડાની દુકાનમાં નોકરી કરતા શખ્સે તેની ફરજ દરમિયાન અઢી મહિના દરમિયાન જુદા જુદા સમયે વેપારીના મકાનમાં રૂમના કબાટમાંથી રૂા.8.86 લાખની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં આહિર સમાજ પાસે આવેલી શિવમ સોસાયટીમાં રહેતાં ચિરાગભાઈ ચંદ્રકાંતભાઈ પંચમતિયા (ઉ.વ.33) નામના યુવાનની રેડીમેડ કપડાની દુકાનમાં દિગ્જામ સર્કલ પાસે રહેતો રાજદિપગીરી પ્રમોદગીરી ગોસ્વામી નામનો વ્યક્તિ કપડાની દુકાનમાં નોકરી કરતો હતો. રાજદિપગીરીએ તેની નોકરીના સમય દરમિયાન તા.28 જુલાઈ 2024 થી તા.9 ઓકટોબર 2024 સુધીના અઢી માસના સમય દરમિયાન વેપારી યુવાનના મકાનના રૂમમાં રહેલા કબાટમાંથી સમયાંતરે રૂા.8,86,500ની રોકડ રકમની ચોરી કરી દીધી હતી. કબાટમાંથી માતબર રકમ ગાયબ થઈ જતા આ અંગેની વેપારીને જાણ થતા વેપારી દ્વારા તેના કપડાના શોરૂમમાં નોકરી કરતા રાજદિપગીરી વિરૂધ્ધ પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીએસઆઈ ડી કે ગોહિલ તથા સ્ટાફે રાજદિપ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.


