જામનગર શહેર અને જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ ચકાસણી પણ થઈ ગઇ છે. હવે આજે ફોર્મ પરત ખેંચવાનો દિવસ હોય જેથી સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ચૂંટણી દરમિયાન રોકડની હેરાફેરા અને આચરસંહિતા ભંગ સબબની ફરિયાદો માટે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર એલર્ટ છે. દરમિયાન સ્ટેટીક સર્વેલન્સ ટીમ દ્વારા 78-વિધાનસભા વિસ્તારમાંથી વ્હોરાના હજીરા પાસે ચેકિંગ દરમિયાન રાજકોટ પાસિંગની કારમાંથી 20 થી વધુ લોકોની રોકડ મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
2022 ગુજરાત વિધાનસભાની બે તબકકામાં ચૂંટણી યોજાનાર છે. જેમાં પ્રથમ તબક્કામાં 89 બેઠકોની ચૂંટણી 1 ડિસેમ્બરે અને 93 બેઠકોની ચૂંટણી 5 ડિસેમ્બરે યોજાનાર છે. પ્રથમ તબક્કાની 89 બેઠકોની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જામનગર જિલ્લાની પાંચ બેઠકો માટે 145 ફોર્મની ચકાસણી દરમિયાન 73 ફોર્મ અમાન્ય રહેતાં હવે 72 ઉમેદવારો મેદાનમાં છે અને આજે ફોર્મ પરત ખેંચવાનો દિવસ હોય. સાંજ સુધીમાં પાંચ બેઠકો માટે કેટલાં ઉમેદવારો મેદાનમાં છે ? તે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. જામનગર મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેકટર ડો. સૌરભ પારઘી અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા ટીમો દ્વારા શહેર અને જિલ્લામાં વિધાનસભા ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી પોલીસ બંદોબસ્ત અને વાહનોના ચેકીંગ સહિતની સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઉપરાંત શહેર અને જિલ્લામાં ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે.
જામનગર જિલ્લાની પાંચ બેઠકો માટે ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી સઘન ચેકિંગ અને શહેરના પ્રવેશદ્વારો પર વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. દરમિયાન 78-વિધાનસભા સ્ટેટીક સર્વેલન્સ ટીમ (એસ.એસ.ટી.) ના અધિકારીઓ દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવે છે. ગત રાત્રિના સમયે જામનગર શહેરમાં વ્હોરાના હજીરા પાસેથી જીજે-03-એમઇ-9600 નંબરની કાર પસાર થતા પોલીસે અને એસ.એસ.ટી.ની ટીમે આંતરીને તલાસી લેતા કારમાંથી લાખોની રોકડ રકમ મળી આવતા ટીમ દ્વારા કાર ચાલક સામે કાર્યવાહી હાથ ધરી રોકડ અને કાર કબ્જે કરી વધુ તપાસ આરંભી હતી તેમજ આ રોકડ કોના વ્યવહાર માટે લઇ જવામાં આવી રહી છે તે અંગેની પૂછપરછ આરંભી હતી. ચૂંટણી દરમિયાન રોકડના વ્યવહાર ઉપર ભારતીય ચૂંટણી પંચની ચાંપતી નઝર છે અને ખાસ રોકડ વ્યવહારો ઉપર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.