Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરતસ્કરો બેખોફ : જામનગરમાં ફર્નિચરના શોરૂમમાંથી રોકડની ચોરી

તસ્કરો બેખોફ : જામનગરમાં ફર્નિચરના શોરૂમમાંથી રોકડની ચોરી

શહેર-જિલ્લામાં એક પછી એક વધતા જતા ચોરીના બનાવો : હાલારવાસીઓમાં ફફડાટ : હાલમાં જ થયલી ચોરીનો ભેદ ઉકેલાયો નથી ત્યાં વધુ એક ચોરીએ પોલીસને પડકાર ફેંકયો : પોલીસ અને એલસીબીએ બનાવસ્થળે પહોંચી તપાસ આરંભી

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં થોડા સમયથી તસ્કરોએ માજા મૂકી છે અને પોલીસનો ખોફ રહ્યો ન હોય તેમ એક પછી એક ચોરીઓને અંજામ આપી રહ્યા છે. તેના કારણે શહેરીજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. થોડા દિવસ પહેલાં જ તીનબતિ ચોક અને ત્યારબાદ ખોડિયાર કોલોની પાસે દુકાનોમાં ચોરીના બનાવમાં પોલીસ હજુ સુધી તસ્કરોનું પગેરૂ મેળવી શકી નથી ત્યારે જ ખોડિયાર કોલોની રોડ પર આવેલા ફર્નિચરના શોરૂમને તસ્કરોએ નિશાન બનાવી ટેબલના કાઉન્ટરના ખાનામાંથી રૂા.98 હજારની રોકડ રકમ ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

વધતા જતા ચોરીના બનાવોના કારણે હાલારવાસીઓમાં ભય ફેલાઈ ગયો છે. દેશભરમાં લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયા પછીના સમયમાં જામનગર શહેર અને જિલ્લામાં ચોરીના બનાવ સતત વધી રહ્યા છે. પોલીસની ધાક ઓસરતી જતી હોય તેમ તસ્કરો બેખોફ બની એક પછી એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. હાલમાં જ શહેરના મુખ્ય એવા તીનબતિ વિસ્તારમાં એક સાથે ચાર-ચાર દુકાનોમાં તસ્કરો ત્રાટકયા હતાં અને ત્યારબાદ ખોડિયાર કોલોની રોડ પર ફાસ્ટ ફુડ અને બેકરીમાં તસ્કરો એ ત્રાટકીને રોકડની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી છે પરંતુ હજુ સુધી આ બંને ચોરીના બનાવોમાં પોલીસને મહત્વની સફળતા મળી નથી જેના કારણે તસ્કરો વધુ બેફામ બની ગયા છે. પોલીસને પડકાર ફેંકતા હોય તેમ તસ્કરોએ ખોડિયાર કોલોની મયુર કોમ્પલેક્ષમાં આવેલા ડેકોરા ફર્નિચરના શોરૂમમાં ગત તા. 2 ના મધ્યરાત્રિના 3 થી 4 વાગ્યાના અરસામાં અજાણ્યા તસ્કરોએ ત્રાટકીને શોરૂમની ગેલેરી દિવાલનો કાચ ઈંટથી તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તસ્કરોએ કેસ કાઉન્ટરનું ડ્રોઅર તોડી તેમાં રાખેલી રૂા.98,500 ની ચોરી કરી ગયા હતાં.

ખોડિયાર કોલોની મેઈન રોડ પર ફર્નિચરના શોરૂમમાંથી થયેલી ચોરીની જાણ કર્મચારી હર્ષભાઈ ચાવડા દ્વારા કરવામાં આવતા પીએસઆઈ એચ.એ. પીપરીયા તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને શહેરમાં વધુ એક ચોરીની ઘટનાની જાણ થતા એલસીબીનો કાફલો પણ બનાવ સ્થળે દોડી ગયો હતો. પોલીસે શોરૂમમાં આવેલા સીસીટીવી ફુટેજ નિહાળ્યા હતાં અને આજુબાજુમાં પણ સીસીટીવી ફુટેજની ચકાસણી કરી તસ્કરોનું પગેરૂ મેળવવા તપાસ આરંભી હતી. જો કે, શહેરમાં બની રહેલી ચોરીની ઘટનાઓએ પોલીસને ઉંઘ ઉડાડી દીધી છે. કેમ કે, તસ્કરો એક પછી એક ચોરીના બનાવોને અંજામ આપી રહ્યા છે. જ્યારે પોલીસ તસ્કરો સુધી પહોંચી શકી નથી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular