ધ્રોલ ગામમાં આવેલી રાધે રેસીડેન્સીમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવાનના મકાનમાં તસ્કરોએ દરવાજાના નકૂચા તોડી પ્રવેશ કરી ટેબલના ખાનામાંથી રૂા.3.20 લાખની રોકડ અને સોના-ચાંદીના રૂા.44 હજારના દાગીના મળી કુલ રૂા.3.64 લાખની માલમતાની ચોરીના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, મૂળ રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના ઝાલરા પાટણના વતની અને હાલ ધ્રોલમાં રાધે રેસીડેન્સી બી/4 માં તથા દિલીપ બીલ્ડકોન લિમિટેડમાં નોકરી કરતા જયંતભાઈ ઓમપ્રકાશ રાઠોર નામના યુવાનના બંધ મકાનમાં રવિવારે સવારના 11થી સોમવારે સવારના 9:30 વાગ્યા સુધીના સમય દરમિયાન અજાણ્યા તસ્કરોએ ત્રાટકીને મકાનના મુખ્ય દરવાજાના નકૂચા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ટેબલના ખાનાના લોક તોડી તેમાં રાખેલી રૂા.3.20 લાખની રોકડ રકમ તેમજ બેડરૂમમાં પ્લાસ્ટિકના ફોલ્ડીંગ કબાટમાં કપડા નીચે રાખેલા સોના-ચાંદીના દાગીના અને કાંડા ઘડિયાળ સહિત રૂા.44,000 ના દાગીના અને રોકડ મળી કુલ રૂા.3.64 લાખની માલમતાની ચોરી કરી ગયા હતાં. સોમવારે ઘરે પરત ફરતા યુવાનને ચોરી થયાની જાણ થતા તેણે પોલીસમાં જાણ કરી હતી.
જેના આધારે પીએસઆઈ એમ.આર. સવસેટા તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ગુનાશોધક શ્ર્વાન અને એફએસએલની મદદ વડે ચોરીનો ગુનો નોંધી ભેદ ઉકેલવા માટે તપાસ આરંભી આજુબાજુમાં સીસીટીવી કેમેરા છે કે નહીં તેના ફુટેજ મેળવી તસ્કરોનું પગેરૂ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતાં.