જામનગર તાલુકાના સચાણા ગામે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લી.મુંબઈ તથા પ્રોજેકટ લાઈફના સહયોગથી નિર્માણ પામેલ નવીન પ્રાથમિક શાળાના ભવનનું રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે એમ.સી.એક્સ.તથા લાઈફ સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ વિસ્તારમાં શાળાનું નિર્માણ કરાયું તે ખૂબ પ્રશંસનીય બાબત છે. કોઈપણ સમાજ માટે સર્વાંગી વિકાસનો પ્રથમ પાયો શિક્ષણ છે સમાજમાં શિક્ષણનું સ્તર ઉંચુ આવે અને ડ્રોપ આઉટ રેસીયો ઝીરો થાય તે માટે સરકાર પણ શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, નવા વર્ગખંડો, નવી શાળાઓ, પૂરતા પ્રમાણમાં શિક્ષકોની ભરતી સહિતના અનેક પગલાંઓ લઈ રહી છે ત્યારે આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે ગ્રામજનો પણ સરકારના આ શિક્ષા અભિયાનમાં સહભાગી થઈ બાળકોને શિક્ષિત બનાવે તે જરૂરી છે.
મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે સચાણા શીપ બ્રેકિંગ યાર્ડ વિકસિત થાય તે માટે હાલ આયોજન થઈ રહ્યા છે. જેનાથી ગામ લોકોને રોજગારી મળવાની સાથે વિકાસના નવા દ્વાર પણ ખુલશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સરકાર ગ્રામીણ ક્ષેત્રના પ્રશ્ર્નોના ઉકેલ માટે કટિબદ્ધ છે.મંત્રીએ આ તકે શાળાના નિર્માણમાં સહભાગી થવા બદલ એમ.સી.એક્સ.ના સી.ઈ.ઓ. પી.એસ.રેડ્ડી તથા પ્રોજેક્ટ લાઇફના ફાઉન્ડર કિરીટભાઈ વસાનો અંત:કરણ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે એમ.સી.એક્સ.ના સી.ઈ.ઓ પી.એસ.રેડ્ડી, પ્રોજેક્ટ લાઇફના ફાઉન્ડર કિરીટભાઈ વસા, જિલ્લા પંચાયતના સભ્ય નંદલાલભાઈ, તાલુકા પંચાયતના સભ્ય મહમદભાઈ, શીપ બ્રેકીંગ એસોસિએશનના પ્રમુખ ફિરોજભાઈ બ્લોચ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પી.એન.પાલા, પંજાબ નેશનલ બેંકના સર્કલ હેડ આલોકકપૂર, એમ.સી.એક્સ.ના પ્રતીક આયરે, આગેવાનો હાજી મહંમદ સિદ્દીક, અબ્દુલ કાદર કક્ક્લ, ઈમ્તિયાઝ બલોચ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સચાણા ગામમાં અદ્યતન શાળાની ભેટ આપવા બદલ મંત્રી સહીતના મહાનુભાવોનુ અદકેરૂ સન્માન કરી સ્વાગત કર્યુ હતું.