ભારતના ટોચના ઉદ્યોગપતિઓમાંના એક શાપૂરજી પાલોનજી ગ્રુપના ચેરમેન પાલોનજી મિસ્ત્રીનું સોમવારે મોડી રાત્રે નિધન થયું છે. 93 વર્ષની વયે તેમણે ગઈકાલે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા. મિસ્ત્રીના નાના પુત્ર શાપૂરજી આ SP ગ્રુપનું સંચાલન કરે છે. 1929માં ગુજરાતના એક પારસી પરિવારમાં જન્મેલ શાપૂરજીએ નાની વયે જ પિતા સાથે એન્જિનિયરિંગ કારોબારમાં ઝંપલાવ્યું હતુ. તેમણે ભારતમાં હાઈ સ્કૂલનું શિક્ષણ મેળવીને ઈંગ્લેન્ડમાં સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. 1954માં પિતાના નિધન બાદ તેમણે જ સમગ્ર કારોબાર સંભાળ્યો હતો.
પાલોનજીએ નાની ઉમંરે ઓછી આવડત સાથે જ મુંબઈની તાજ હોટલ બનાવી હતી.
આ તેમની સૌથી મોટી સિદ્ધિ કહેવાય છે કારણ કે તેમણે આ મહાકાય હોટલ અંદાજિત બજેટ કરતા ઓછી રકમમાં અને સમય કરતા પૂર્વે બનાવીને એન્જિનિયરિંગ સેક્ટરમાં પોતાનો ખિલ્લો નાંખ્યો હતો. પાલોનજી મિસ્ત્રીને વર્ષ 2016માં ભારતના ત્રીજા સૌથી મોટા પુરસ્કાર પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. શાપૂરજી પાલોનજી ગ્રુપ ભારતના સૌથી મોટા બિઝનેસ સમૂહમાંનું એક છે અને 157 વર્ષોથી ભારતના અનેક સેક્ટરમાં મોટા કારોબાર ચલાવે છે.
શાપૂરજી પાલોનજી ગ્રૂપ મુખ્યત્વે 6 મુખ્ય સેગમેન્ટમાં એન્જિનિયરિંગ, ક્ધસ્ટ્રક્શન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ, વોટર એનર્જી અને ફાઇનાન્સિયલ સર્વિસમાં ફેલાયેલું છે. આ ગ્રુપ 18 મોટી કંપનીઓનું સંચાલન કરે છે. શાપૂરજી પાલોનજી ગ્રૂપનો બિઝનેસ 50થી વધુ દેશોમાં ફેલાયેલો છે અને અંદાજે 50,000થી વધુ કર્મચારીઓનું સંખ્યાબળ છે. શાપૂરજી પાલોનજી ગ્રુપ ટાટા સન્સમાં સૌથી મોટો વ્યક્તિગત હિસ્સો ધરાવે છે.પાલોનજી સમૂહ પાસે ટાટા સન્સમાં 18.4% હિસ્સો છે. પાલોનજી મિસ્ત્રીના પુત્ર સાયરસ મિસ્ત્રીને 2012માં ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. સાયરસ મિસ્ત્રી 2016 સુધી ટાટા ગ્રુપના ચેરમેન હતા. જોકે અમુક વિવાદ બાદ તેમણે રાજીનામું આપવું પડ્યું હતું અને કોર્ટના અનેક વિવાદો બાદ ટાટા સન્સના નિર્ણયને માન્ય રાખ્યો હતો.
શાપૂરજી પાલોનજી ગ્રુપની સ્થાપના 1865માં થઈ હતી. એન્જિનિયરિંગ સેક્ટરમાં માંધાતા ગણાતા આ સમૂહે ભારતની ઓળખ બનેલા મુંબઈના કેટલાક લેન્ડમાર્ક બનાવ્યા છે. આ ઈમારતોમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને ધ તાજમહેલ પેલેસ હોટેલ સામેલ છે. આ સિવાય ગેટ વે ઓફ ઈન્ડિયા અને મુંબઈ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયાનું બાંધકામ પણ એસપી ગ્રુપે કર્યું છે. ગયા વર્ષે શાપૂરજી પાલોનજી ગ્રૂપે યુરેકા ફોબ્ર્સ હેઠળ તેનો ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ બિઝનેસ અમેરિકન પ્રાઈવેટ ઈક્વિટી ફંડ એડવેન્ટ ઈન્ટરનેશનલને વેચ્યો હતો. યુરેકા ફોબ્ર્સ એક્વાગાર્ડ અને ફોબ્ર્સ જેવી બ્રાન્ડનું સંચાલન કરે છે.