દરબારગઢથી કાલાવડ નાકા સુધીના 18 મીટર પહોળા રોડ પર દુકાનદારો તેમજ અન્ય આસામીઓ દ્વારા માર્ગ પર કરવામાં આવેલા અનઅધિકૃત દબાણો પર આજે જામ્યુકોની એસ્ટેટ શાખાનું બુલડોઝર ફરી વળ્યું હતું.
અગાઉ આ રોડ પરની ટ્રાફિક સમસ્યા અને ગીચતાને દૂર કરવા માટે જામ્યુકો દ્વારા ડીપી કપાત હાથ ધરીને રસ્તાને 18 મીટર પહોળો બનાવવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ આ રોડ પરના દુકાનદારો તેમજ અન્ય ધંધાર્થીઓ દ્વારા રોડ ઉપર દબાણ કરીને રસ્તાને ફરીથી સાંકડો બનાવી દેવામાં આવતા. અહીં ટ્રાફિક સમસ્યાનું નિર્માણ થઇ રહયું હતું. આ સમસ્યા દુર કરવા જામ્યુકોની એસ્ટેટ શાખા દ્વારા આજે સવારે બુલડોઝર સહિતના કાફલા સાથે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. દુકાનદારો દ્વારા કરવામા આવેલા ગેરકાયદે ઓટલા તેમજ છાપરા તોડી પાડવામાં આવ્યા હતા. જયારે માર્ગ ઉપર ખડકી દેવામાં આવેલી ગેરકાયદે કેબિનો પર હટાવવામાં આવી હતી. જામ્યુકોએ અહીં દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરતાં જ આ વિસ્તારના કોર્પોરેટરો અસ્લમ ખીલજી, જેનબ ખફી દોડી આવ્યા હતા. ડિમોલીશનનો વિરોધ કરતાં તેમણે એસ્ટેટ અધિકારી નીતિન દિક્ષીત સાથે જીભાજોડી પણ કરી હતી. દરમ્યાન કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પુરતો પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો.