Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતનવા મકાનની દિવાલ પર ભેજ ઉતરે તો બિલ્ડર જવાબદાર

નવા મકાનની દિવાલ પર ભેજ ઉતરે તો બિલ્ડર જવાબદાર

ગ્રાહકની ફરિયાદ પર ‘રેરા’નો મહત્વનો ચૂકાદો

- Advertisement -

રીયલ એસ્ટેટ ક્ષેત્રે બિલ્ડરોના હાથે ગ્રાહકોને છેતરાતા બચાવવા માટે ‘રેરા’ કાયદો અમલમાં છે જ અને તે અંતર્ગત નવા ફલેટ કે મકાનમાં ખામી રહી ગઇ હોય તો તે માટે બિલ્ડર જવાબદાર રહેતા હોવાનો મહત્વપૂર્ણ ચુકાદો ગુજરાત રેરાએ આપ્યો છે. નવા ફલેટમાં ભેજ ઉતરતા ગ્રાહકે ફરિયાદ કરી હતી અને ઓથોરીટીએ ગ્રાહકની તરફેણમાં ચુકાદો આપીને તમામ રીપેરીંગ કામ કરી દેવા બિલ્ડરને આદેશ આપ્યો હતો. અમદાવાદમાં આ કેસમાં ફરિયાદી ગ્રાહકે નવા રેસીડેન્શીયલ ટાવરમાં 10મા માળે ફલેટ ખરીદ કર્યો હતો. ફલેટનો કબ્જો મળે તે પૂર્વે જ દિવાલોમાં ભેજ દેખાયો હતો અને બિલ્ડરે તેમાં રીપેરીંગ કરાવીને હવે સમસ્યા નહીં રહેવાની બાહેંધરી આપી હતી. બિલ્ડરોની ખાતરીના આધારે ફરિયાદી ગ્રાહક રહેવા આવી ગયા હતા અને તેમાં ફર્નિચર તથા ઇલેક્ટ્રીક સામાનને પણ નુકશાન થયું હતું. આ મામલે બિલ્ડર-ગ્રાહક વચ્ચે ઉગ્ર માથાકુટ પણ થઇ હતી. છેવટે ગ્રાહકે રેરામાં દાદ માંગતા ઓથોરીટીએ તેમની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

- Advertisement -

રેરાએ આ ફ્લેટની દિવાલો રિપેર કરી આપવા માટે બિલ્ડરને ઓર્ડર આપ્યો છે. નવા બનેલા મકાનોમાં સિવિલ વર્કમાં કોઈ પણ ખામી હોય તો મકાનમાલિકો રેરાના સેક્શન 14 (3) હેઠળ ફરિયાદ કરી શકે છે. આ મામલો એટલો બધો ઉગ્ર બન્યો કે મકાનમાલિક અને બિલ્ડરે એકબીજા સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરી દીધી હતી. બંનેએ એકબીજા પર ધમકાવવાનો આરોપ મૂક્યો હતો. બંને પાર્ટીને સાંભળ્યા પછી ઓથોરિટીએ કહ્યું કે જરૂરી રિપેરિંગ, પ્લાસ્ટર અને પેઈન્ટ વર્ક કરવા માટે બિલ્ડર તૈયાર છે. આ રિપેરિંગ કામ પૂરું થયા પછી રેરાએ મકાનમાલિકની અરજીનો નિકાલ કર્યો હતો.

RERA એક્સપર્ટ નિપુન સિંઘવીનું કહેવું છે કે RERAના સેક્શન 14(3) મુજબ બિલ્ડિંગમાં કોઈ પણ સ્ટ્રક્ચરલ ખામી અથવા વર્કમેનશિપની ખામી હોય તો બિલ્ડરે તેને રિપેર કરી આપવી પડે. મકાનનું પઝેશન મળ્યાથી 5 વર્ષ સુધી આ બિલ્ડરની જવાબદારી રહે છે અને તેને હોમ વોરંટી પણ કહેવાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular