આગામી 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી 24 દિવસીય ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર યોજાવાનું છે.આ બજેટ સત્ર દરમ્યાન 3 દિવસ શનિવારના રોજ પણ બેઠક મળનાર છે. બજેટ સત્રને લઈને નાણામંત્રી સહીત સ્ટાફ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
વિધાનસભાનાં સુત્રોમાંથી પ્રાપ્ત માહીતી અનુસાર આગામી લોકસભાની ચૂંટણી સંભવત: એપ્રિલનાં પ્રથમ કે બીજા અઠવાડીયામાં યોજાય તેવી શકયતા છે.ત્યારે ગુજરાતના મળનારા બજેટ સત્ર દરમ્યાન જો શનિવારે નિર્ધારીત કરાયેલા ટેબલ મુજબ વિધાનસભાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવે તો પ્રચાર-પ્રસારમાં સમય ઓછો મળે તેમ છે.આ સંદર્ભે આજરોજ વિધાનસભા ગૃહમાં સંસદીય મંત્રી ઋષિકેશ પટેલ, દંડક બાલુભાઈ શુકલ, સચીવ ડી.એમ.પટેલ, અને અધ્યક્ષનાં એક પ્રતિનિધિમંડળની બેઠક મળી હતી. એવુ મનાઈ રહ્યું છે કે આગામી તા.31 જાન્યુઆરીને બુધવારના રોજ કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળવાની છે અને તેમાં શનિવારે યોજાનારી વિધાસભાની બેઠકો અન્ય દિવસમાં ડબલ બેઠક કરીને શનિવારે રજા રખાય તેવો નિર્ણય લેવાય તેવી શકયતા છે.