કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે વર્ષ 2022-23નું સામાન્ય બજેટ લોકસભામાં રજૂ કર્યું છે. આ તેમનું સતત ચોથું બજેટ છે. તેમણે બજેટ રજૂ કરતા જણાવ્યું કે આ અમૃતકાળનું બજેટ છે જે આગામી 25 વર્ષ માટેનો પાયો નાખશે. બજેટમાં નાણા મંત્રીએ મહિલાઓ, ખેડૂતો, ગરીબ અને મધ્ય વર્ગ પર ભાર અપાશે તેમ બજેટની શરૂઆતમાં જણાવ્યું હતું. બજેટમાં ગુજરાતની ચાર નદીઓને ઈન્ટરલિન્કની યોજના હેઠળ આવરી લેવાની જાહેરાત પણ નાણામંત્રીએ કરી હતી. આ ઉપરાંત નાણામંત્રી નિર્મલા સિતારમણે જણાવ્યું હતું કે આગામી 2022-23માં વધુ 25,000 કિ.મી.ના રાષ્ટ્રીય ધોરીમાર્ગ તૈયાર કરાશે. તેમજ ખાનગી અને જાહેર ભાગીદારીની મદદથી રોપ-વે વિકાસ યોજના પણ હાથ ધરાશે. બજેટમાં નાણામંત્રીએ મલ્ટિમોડલ લોજીસ્ટિક પાર્ક્સ સ્થાપવાની પણ જાહેરાત કરી હતી.
નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે રજૂ કરેલ બજેટમાં નવા ટેકસ રિર્ફોમ લાવવાની તૈયારીઓ દર્શાવી છે. સતત ચોથી વખત બજેટ રજૂ કરી રહેલાં નાણાંમંત્રીએ જણાવ્યું હતું કે, રાજય સરકારોને એક લાખ કરોડની વગર વ્યાજની લોન આપવામાં આવશે. દેશમાં સોલાર મોડયુલના ઉત્પાદન માટે રૂા. 19,500 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ જોગવાઇથી રિલાયન્સ અને અદાણી જેવી કંપનીઓને ફાયદો થશે. નાણાંમંત્રીએ કહ્યું કે, કોરોના કાળમાં શિક્ષણને ખૂબજ નુકસાન થયું છે. ત્યારે એક કલાસ, એક ટીવી ચેનલ અંતર્ગત હાલની 12 ચેનલને વધારીને ર00 કરવામાં આવશે. ઉપરાંત ડિજિટલ વિશ્ર્વ વિદ્યાલયની સ્થાપના પણ કરવામાં આવશે. જયારે માનસિક સમસ્યાઓ માટે નેશનલ ટેલિમેન્ટલ હેલ્થ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, 2022-2023માં નેશનલ હાઇવેની લંબાઇ 25,000 કિલોમીટર સુધી વધારવામાં આવશે. જયારે આગામી 3 વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવશે. ગંગા કિનારાના પ કિલોમીટરના વિસ્તારમાં ઓર્ગેનિક ફાર્મીગ શરૂ કરવામાં આવશે. જયારે 60 લાખ નવી નોકરીઓની સર્જન કરવામાં આવશે. બજેટમાં એમએસએમઇ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. આ માટે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરેન્ટી સ્કીમ પાંચ લાખ કરોડ રૂપિયા સુધી લંબાવવામાં આવી છે જેનાથી આ ક્ષેત્રના 130 લાખ યુનિટોને ફાયદો થશે. હર ઘર નલ સે જલ યોજના અંતર્ગત 60,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
- બજેટ: બ્રિફકેસથી ટેબ સુધી
કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ મંગળવારે નાણંકિય વર્ષ 2022-23નું બજેટ રજૂ કર્યું છે. ગત વર્ષે રજૂ કરવામાં આવેલું બજેટ કોવિડ-19 મહામારીને કારણે પેપરલેસ હતું. નાણાં મંત્રીએ એક ટેબની મદદથી બજેટને સંસદમાં રજૂ કર્યું હતું. કોરોના મહામારી હજુ પણ યથાવત છે અને હાલ કેસ વધી રહ્યાં છે. એવામાં શક્યતા છે કે બજેટને આ વખતે પેપરલેસ જ રજૂ કરવામાં આવી શકે છે.
પેપરલેસ બજેટ પહેલી વખત ગત વર્ષે જ રજૂ કરાયું હતું. બજેટ ડોક્યુમેન્ટ્સે બ્રીફકેસથી બેગ, ખાતાવહી અને હવે ટેબ સુધીની સફર પુરી કરી છે. બજેટ શબ્દ ફ્રાંસીસી વર્ડ બુગેટથી આવ્યો. બુગેટનો અર્થ થાય છે ચામડાંની થેલી. તેથી જ આ પરંપરાને બજેટ કહેવાય છે. નાણા મંત્રીઓ દ્વારા લાવવામાં આવતી બ્રીફકેસમાં બજેટ ભાષણ હોય છે. વર્ષ 1860માં બ્રિટનના ચાન્સેલર ઓફ ધ એક્સચેકર ચીફ વિલિયમ એવર્ટ ગ્લેડસ્ટને પહેલી વખત ફાયનાન્સિયલ પેપર્સના બંડલને લેધરમાં બેગમાં લાવ્યા હતા, જેના પર બ્રિટિશ રાણીનો મોનોગ્રામ હતો.
ભારતનું પહેલું બજેટ બ્રિટિશ સંસદમાં જેમ્સ વિલ્સને 18 ફેબ્રુઆરી, 1869નાં રોજ રજૂ કર્યું હતું. વિલ્સન ઈન્ડિયા કાઉન્સિલમાં ફાયનાન્સ મેમ્બર હતા. જો કે બજેટ ઘણું લાંબુ હતું જેથી તેના ડોક્યુમેન્ટ્સ રાખવા માટે એક મોટા બ્રીફકેસની જરૂરિયાત ઊભી થઈ હતી. આ રીતે ભારતનું પહેલા બજેટના ડોક્યુમેન્ટ એક મોટા બ્રીફકેસમાં આવ્યા, જેને ગ્લેડસ્ટન બોક્સ તરીકેની ઓળખ મળી. બજેટ પેપર્સ પર ક્વીનનો ગોલ્ડ મોનોગ્રામ હતો. કહેવાય છે કે ક્વીને બજેટ રજૂ કરવા માટે આ બ્રીફકેસ પોતે ગ્લેડસ્ટનને આપી હતી. બ્રિટનના રેડ ગ્લેડસ્ટન બજેટ બોક્સ વર્ષ 2010 સુધી ચલણમાં હતી. જે બાદ દુર્દશાને કારણે તેને મ્યૂઝિયમમાં રાખી દેવાઈ અને તેની જગ્યાએ એક નવા રેડ લેધર બેગે બજેટ બોક્સની જગ્યા લઈ લીધી. વર્ષ 1947માં ભારતને આઝાદી મળી પરંતુ બજેટ બોક્સની પરંપરા યથાવત જ રહી. 26 નવેમ્બર, 1947નાં રોજ સ્વતંત્ર ભારતના પહેલાં નાણા મંત્રી શણમુખમ શેટ્ટીએ પણ બજેટ રજૂ કરવા માટે રેડ લેધર બ્રીફકેસનો જ સહારો લીધો. જવાહરલાલ નહેરૂ કાળા રંગની બેગમાં બજેટ ડોક્યુમેન્ટ્સ લાવ્યા હતા. જ્યારે મનમોહન સિંહે 1991માં પોતાના પ્રસિદ્ધ બજેટને રજૂ કર્યું તો તેમને એક સાદી કાળા રંગની બેગને પ્રાથમિકતા આપી. જો કે પ્રણવ મુખર્જી લાલ રંગની બ્રીફકેસ સાથે બજેટના દસ્તાવેજ સાથે સંસદ ભવન પહોંચ્યા હતા. તો 1998-99ના બજેટ દરમિયાન નાણા મંત્રી યશવંત સિન્હાએ કાળા રંગના ચામડાંની બેગને પટ્ટીઓ અને બકલની સાથે ઉપયોગમાં લાવ્યા. અરુણ જેટલી હાથમાં બ્રાઉન અને રેડ બ્રીફકેસ સાથે જોવા મળ્યા હતા. કાર્યવાહક નાણા મંત્રી પીયૂષ ગોયલ બજેટના દસ્તાવેજ સાચવવા માટે લાલ બ્રીફકેસનો ઉપયોગ કર્યો હતો. આ રીતે ભારતના બજેટ બેગનો રંગ અને આકાર દર વર્ષે બદલાતો રહ્યો.
જુલાઈ, 2019માં બજેટની કોપી એક અલગ જ અંદાજમાં જોવા મળી. જ્યારે મોદી-2ના કાર્યકાળ શરૂ થયો ત્યારે નિર્મલા સીતારમણે પૂર્ણકાલિક નાણાં મંત્રી તરીકે પહેલી વખત બજેટ રજૂ કર્યું. દરેક વખતે બજેટ દસ્તાવેજ જ્યાં બ્રીફકેસમાં રહેતા હતા, તે દસ્તાવેજ 2019માં એક લાલ રંગના મખમલના કપડાંમાં જોવા મળ્યા. કપડાંની ઉપર ભારત સરકારનું ચિહ્ન પણ હતું. મુખ્ય આર્થિક સલાહકાર કેવી સુબ્રમણ્યને આ અંગે જણાવ્યું કે આ ભારતીય પરંપરા છે. આ પશ્ર્ચિમી વિચારોની ગુલામીથી નિકળવાનું પ્રતિક છે. આ બજેટ નથી પણ ખાતાવહી છે. વર્ષ 2021નું બજેટ પેપરલેસ હોવાને કારણે ટેબ્લેટમાં સામે આવ્યું. બજેટની ફિઝિકલ કોપી ન હતી. બજેટ ટેબ ખાતાવહીની જેમ લાલ રંગના કપડાંમાં લપેટાયેલું હતું. આ કપડાંની ઉપર ભારત સરકારનું ચિન્હ હતું. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ વખતે નાણાં મંત્રી કઈ રીતે બજેટ ડોક્યુમેન્ટ્સ લઈને સંસદમાં આવે છે.
- ક્રિપ્ટોની કમાણી પર 30 ટકા ટેકસ, RBI બનાવશે ક્રિષ્ટો જેવી ડિજિટલ કરન્સી
અનેક અટકળો અને સંભાવનાઓ વગર જ સરકારે એકાએક બજેટમાં ક્રિપ્ટોકરન્સી અંગે મોટી જાહેરાત કરી છે. સરકારે હાલના તબક્કે તમામ વર્ચ્યુઅલ કરન્સી પર ટેક્સ વસૂલવાની જાહેરાત કરી છે. સરકારે બજેટમાં ક્રિપ્ટો સહિતની તમામ વર્ચ્યુઅલ કરન્સી પર ટેક્સ સ્કીમની જાહેરાત કરી છે. ક્રિપ્ટોકરન્સીની આવક પર સરકારે 30% ટેક્સ વસૂલવાની જાહેરાત કરી છે.
આ સિવાય સરકારે વર્ચ્યુઅલ કરન્સી એસેટના ટ્રાન્સફર પર વધુ 1% ટીડીએસની જાહેરાત કરી છે. તદુપરાંત સરકારે ક્રિપ્ટોકરન્સીના ગિફ્ટ પર પણ 30% ટેક્સની જાહેરાત કરી છે મહત્વની ટિપ્પણી કરતા બજેટ સ્પીચમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે વર્ચ્યુઅલ કરન્સીથી થતા નુકશાનને ટેક્સમાં બાકાત નહિ કરી શકાય એટલેકે તેને ઓફસેટ નહિ કરી શકાય.
- બજેટ હાઇલાઇટ્સ
- દેશમાં 25000 કિમીના નવા રોડ રસ્તા બનાવવામાં આવશે
- 20હજાર કરોડ રૂપિયાનો ખર્ચ રોડ રસ્તા માટે થશે
- આગામી 3 વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેન બનાવવામાં આવશે
- આ વર્ષે GDP 9.2% દરે વૃદ્ધિ પામશે
- LICનો IPO નજીકના ભવિષ્યમાં આવશે
- આત્મનિર્ભર ભારત અભિયાનથી 62લાખ નવી નોકરીની તક
- 2 લાખ આંગણવાડી કેન્દ્રોને અપગ્રેડ કરવામાં આવશે
- 3.8 કરોડ ઘરોને 2022-23માં નલ સે જલ યોજનાથી જોડવામાં આવશે
- PM આવાસ યોજના હેઠળ 80 લાખ મકાન બનશે
- આવાસ માટે 48હજાર કરોડની ફાળવણી કરવામાં આવશે
- દેશના વિવિધ રાજ્યોમાં પ્રાદેશિક ભાષામાં ડીજીટલ યુનીવર્સીટી સ્થાપવામાં આવશે
- રેડિયો, ટીવી ચેનલના માધ્યમથી શિક્ષણ અપાશે
- શિક્ષણ વધારવા માટે DTHનો ઉપયોગ થશે
- PM ઇ-વિદ્યા હેઠળ 200 ટીવી ચેનલ શરુ થશે
- પોસ્ટ ઓફિસોમાં એટીએમની સુવિધા આપવામાં આવશે
- ઈમરજન્સી ક્રેડીટ લાઇન ગેરેંટી સ્કીમ માર્ચ 2023 સુધી લંબાવવામાં આવી
- વિદેશી યાત્રામાં સુવિધા માટે 2022-23માં ઈ-પાસપોર્ટ શરૂ કરવામાં આવશે
- દેશની 5 મોટી નદીઓને જોડવાની યોજના
- 9 લાખ ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે
- ગંગા નદી કિનારે 5 કિલોમીટરમાં પહેલાં તબક્કામાં ખેતી શરૂ કરાશે
- જમીનના રજીસ્ટ્રેશન માટે યુનિફોર્મ પ્રક્રિયા શરુ કરાશેસંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતાવધારવા પર ભાર મુકાશે
- 68% બજેટ ડીફેન્સમાં સ્થાનિક ઉત્પાદન માટે ખર્ચાશે
- ડીફેન્સ ક્ષેત્રનું 25% સંશોધન બજેટ નક્કી કરાયું
- DRDO સાથે મળીને ઉદ્યોગો ડીફેન્સ માટે કામ કરી શકશે
- 2022માં 5જીનું ઓક્શન થશે
- 5 જી ટેક્નોલોજીના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે મોબાઈલ કંપનીઓને પ્રોત્સાહન
- દેશમાં 60 કિમી લાંબા 8 રોપ વે બનાવવામાં આવશે
- રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા વર્ષ 2022-23માં ડીજીટલ કરન્સી લાવશે
- બ્લોકચેઇન પદ્ધતિથી ડીજીટલ પદ્ધતિથી ડીજીટલ કરન્સી ટ્રેડ થશે