જામનગર તાલુકાના દરેડ ગામના નડી વિસ્તારમાં રહેતાં અને મજૂરી કામ કરતા આધેડની પત્નીનો શનિવારે સવારથી સાંજ સુધીના સમય દરમિયાન અજાણ્યા શખ્સોએ ઓરડીમાં પ્રવેશ કરી સાડી વડે ગળેટૂંપો આપી હત્યા નિપજાવેલો મૃતદેહ મળી આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી હત્યારાની શોધખોળ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, મધ્યપ્રદેશના વતની અને હાલ જામનગર તાલુકાના દરેડ ગામમાં નડી વિસ્તારમાં ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા કમલસિંઘ બલરામસિંઘ બધેલ (ઉ.વ.48) નામના આધેડની પત્ની મીનાબેન બધેલ નામની મહિલા શનિવારે સવારના 8:30 વાગ્યા થી સાંજના 6:00 વાગ્યા સુધી તેણીની ઓરડીમાં એકલી હતી તે દરમિયાન કોઇ અજાણ્યા શખ્સો આવીને મીનાબેનને સાડી વડે ગળેટુંપો આપી હત્યા નિપજાવી નાશી ગયા હતાં. ત્યારબાદ સાંજના સમયે મજૂરીકામેથી પરત ફરેલા પતિ કમલસિંઘએ આ અંગે પંચ બી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જેના આધારે પીએસઆઈ એમ.એ. મોરી તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થળ પરથી મહિલાનો મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી અજાણ્યા શખ્સો વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.
દરમિયાન પોલીસે તપાસ હાથ ધરતા મૃતક મહિલા તેણીના પતિ અને ત્રણ સંતાનો સાથે દરેડમાં રહેતી હતી. તેમજ પતિ અને સંતાનો કારખાનામાં મજૂરી કામ કરતા હતાં. દરમિયાન શનિવારે સવારના સમયે પતિ કમલસિંઘ અને ત્રણેય સંતાનો મજૂરી કામ જતા રહ્યા હતા તે દરમિયાન કોઇ શખ્સે ઘરે આવી મહિલાની હત્યા નિપજાવી હતી. પોલીસે મૃતક મહિલાના આજુબાજુમાં રહેતાં રહેવાસીઓના નિવેદન અને તેના પતિ અને સંતાનોના નિવેદનો પણ લીધા હતાં. જો કે, કોઇ ચોકકસ કડી મળી ન હતી.