જામજોધપુર ગામમાં રામવાડી વિસ્તારમાં રહેતાં યુવાનની બહેન રિસામણેથી સાસરે જતી ન હોય જે બાબતનો ખાર રાખી બનેવી સહિતના ત્રણ શખ્સોએ ઘરમાં ઘૂસી સાળાનું અપહરણ કરી લઇ જઇ છરીના જીવલેણ ઘા ઝિંકી માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
અપહરણના બનાવની વિગત મુજબ જામજોધપુર ગામમાં રામવાડી-3 વિસ્તારમાં રહેતાં લખુભા ઉર્ફે ક્રિપાલસિંહ દિલુભા વાઢેર (ઉ.વ.25) નામના યુવાનની બહેન સેજલબાના લગ્ન લાલપુર તાલુકાના ઝાખર ગામના અશોકસિંહ ભીખુભા ચુડાસમા સાથે થયા હતા. અશોકસિંહને દારૂ પીવાની અને જુગાર રમવાની કૂટેવ હોય જેથી અવારનવાર તેની પત્ની સેજલબા સાથે ઝઘડો કરતા હતા. જેથી સેજલબા ત્રણ મહિના પહેલાં તેના માવતરે જતાં રહ્યાં હતાં. ત્યારબાદ અશોકસિંહ બે-ત્રણ વખત તેની પત્નીને લઇ આવવા માટે સાસરે ગયા હતા. પરંતુ લખુભાએ બહેનને સાસરે મોકલી ન હતી. આ બાબતનો ખાર રાખી ગત્ તા. 15ના રોજ રાત્રિના સમયે અશોકસિંહ ભીખુભા ચુડાસમા, ભાવેશ ધુલિયા, ઋષિરાજસિંહ જાડેજા નામના ત્રણ શખ્સોએ કારમાં આવીને ઘરમાં પ્રવેશ કરી લખુભા વાઢેરનું અપહરણ કરી લઇ ગયા હતા અને જેમ ફાવે તેમ ગાળો કાઢી છરીના જીવલેણ ઘા ઝિંકયા હતા તેમજ આડેધડ માર મારી છરીના છરકાઓ કરી પતાવી દેવાની ધમકી આપી હતી.
ત્યારબાદ અપહરણમાંથી મુક્ત થયેલ લખુભાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે ઇન્ચાર્જ પીઆઇઆર. બી. સોલંકી તથા સ્ટાફે લખુભાના નિવેદનના આધારે તેના સગા બનેવી અશોકસિંહ સહિતના ત્રણ શખ્સો વિરૂદ્ધ અપહરણ, હુમલો તથા ધમકીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


