Saturday, December 28, 2024
Homeરાજ્યજામનગરહાલારના બન્ને જિલ્લાઓમાં સવારથી ગોરંભાયેલા આકાશમાંથી વરસાદી છાંટા વરસ્યા

હાલારના બન્ને જિલ્લાઓમાં સવારથી ગોરંભાયેલા આકાશમાંથી વરસાદી છાંટા વરસ્યા

ખંભાળિયામાં વહેલી સવારે માર્ગો ભીંજાયા : હજુ બે દિવસ અસરની રહેવાની સંભાવના

- Advertisement -

રાજય સાથે હાલારમાં પણ વધુ એક વખત વાતાવરણ પલટાયું છે. હાલારના બન્ને જિલ્લા જામનગર અને દેવભૂમિ દ્વારકામાં આજે સવારથી આકાશમાં ઘટાટોપ વાદળો છવાવા સાથે ઠંડો પવન ફૂંકાઇ રહ્યો છે તેમજ કોઇ-કોઇ સ્થળે હળવા છાંટા પણ વરસી રહ્યાં છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજયમાં થંડરસ્ટોર્મ એક્ટિવ સાથે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે.

- Advertisement -

જામનગર શહેર તથા જિલ્લામાં પણ સવારથી આકાશ ગોરંભાયેલું રહ્યું છે. ઠંડો પવન ફૂંકાવા સાથે હળવા છાંટા પર વરસી રહ્યા છે. જિલ્લાના જામજોધપુર પંથકમાં હળવા છાંટા વરસ્યા હતા. ગોરંભાયેલા આકાશ સાથે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ પણ ચડી હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર દ્વારકા જિલ્લાના ખંભાળિયા સહિતના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ સર્જાયુ છે.

ખંભાળિયા શહેરમાં વહેલી સવારે જુદા-જુદા વિસ્તારમાં વરસાદી છાંટા વરસ્યા હતા. જેને કારણે માર્ગો ભીંજાઇ ગયા હતા. ગામડાંઓમાં પણ વરસાદી છાંટ વરસ્યાના અહેવાલો સાંપડયા છે. દ્વારકા તેમજ ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. હજુ ગયા સપ્તાહે જ રાજયના જુદા-જુદા વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. માવઠાની આગાહીના પગલે ખેડૂતોને નુકસાનીમાંથી બચાવવા માર્કેટ યાર્ડ દ્વારા આગોતરા પગલાં લેવામાં આવ્યા છે. જામનગર સહિતની જિલ્લાની માર્કેટ યાર્ડો દ્વારા અગમચેતીના ભાગરૂપે જણસીની નવી આવક બંધ કરવામાં આવી છે અને આ અંગે ખેડૂતોને જાણ કરી દેવામાં આવી છે. જે ખેડૂતો જાણકારીથી અભાવ હોય અને પોતાનો માલ લઇને યાર્ડ પહોંચી જાય તો તેવા ખેડૂતો માટે યાર્ડમાં માલને સુરક્ષિત રાખવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

- Advertisement -

હાલારમાં આજ સવારથી જ સૂર્યનારાયણ અદ્રશ્ય થયા હતા. કેટલીક જગ્યાએ વિજળીના ચમકારા પણ જોવા મળ્યા હતા. દિવસ દરમ્યાન આકાશ ગોરંભાયેલું રહેવા સાથે કમોસમી વરસાદ વરસવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. હવામાનમાં સતત થઇ રહેલાં ફેરફારને કારણે સીઝનલ રોગચાળો પણ વકર્યો છે. ભેજના ઉંચા પ્રમાણ, ઠંડો પવન અને છાંટાને કારણે તાવ, ઉધરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ અઠવાડિયામાં બીજી વખત થયેલા હવામાન ફેરફારથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ વાતાવરણ પલ્ટા સાથે હળવો વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને કચ્છના ભચાઉ, અંજાર, ભૂજમાં સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. તો દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી સહિતના વિસ્તારોમાં હજુ બે દિવસ કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular