દેશમાં ફરી એકવાર કોરોનાનું સંક્રમણ શરૂ થઇ ગયું છે. દિલ્હીમાં સ્થિતિ ચિંતાજનક છે. આ બધાની વચ્ચે કેન્દ્ર સરકારે નવા ફેરફારની તૈયારી કરી દીધી છે. ઝડપથી વધી રહેલા કોરોના કેસની વચ્ચે સરકાર ટૂંક સમયમાં રસીના બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝ વચ્ચેના અંતરને 6 મહિના સુધી ઘટાડી શકે છે. હાલમાં કોરોનાના બીજા ડોઝના 9 મહિના પછી જ બૂસ્ટર ડોઝ આપી શકાય છે. મળતી માહિતી પ્રમાણે અધિકારીઓએ જણાવ્યું કે નેશનલ ઇમ્યુનાઇઝેશન ટેકનિકલ એડવાઇઝરી ગ્રૂપની બેઠક 29 એપ્રિલે યોજાવાની છે. આ મીટિંગમાં સલાહકાર જૂથ બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝ વચ્ચેનો સમય ઘટાડવાની ભલામણ કરી શકે છે.
આની પહેલાં icmr અને અન્ય આંતરરાષ્ટ્રીય સંશોધન સંસ્થાઓએ સૂચવ્યું હતું કે કોરોના રસીના બંને ડોઝ લેવાના 6 મહિના પછી એન્ટિબોડીનું સ્તર ઘટે છે. આવી સ્થિતિમાં અત્યારે બૂસ્ટર ડોઝ આપવાથી રોગપ્રતિકારક શક્તિ વધી જાય છે. હાલમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના રસીના બીજા ડોઝના 9 મહિના પછી બૂસ્ટર ડોઝ લેવાની છૂ ટ છે.
આ મામલાને લગતા અધિકારીઓએ કહ્યું કે દેશ અને વિદેશના વૈજ્ઞાનિકોના સૂચનો અને અભ્યાસના પરિણામોના આધારે કોરોના રસીના બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝ વચ્ચેનો સમય અંતરાલ 9 મહિનાથી ઘટાડીને 6 મહિના કરી શકાય છે. જોકે અંતિમ નિર્ણય ntagiના સૂચન પર લેવામાં આવશે. શુક્રવારે ntagi ની મહત્વની બેઠક યોજાવાની છે.
કોરોના રસીના બૂસ્ટર ડોઝ સંક્રમણને નિયંત્રિત કરવામાં ખૂબ અસરકારક સાબિત થયા છે. 29મી માર્ચે આરોગ્ય રાજ્ય મંત્રી ડો. ભારતી પવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે આઇસીએમઆર દ્વારા રસીના બૂસ્ટર ડોઝની અસરકારકતા ચકાસવા માટે એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં કોરોના સામે એન્ટિબોડીઝ બહાર આવી હતી. તેમણે કહ્યું હતું કે એસ્ટ્રાઝેનેકા અથવા કોવિશિલ્ડના ત્રીજા ડોઝ અંગે જે આંતરરાષ્ટ્રીય ડેટા બહાર આવ્યા છે તે મુજબ આ રસીના ત્રીજા ડોઝ પછી એન્ટિબોડીઝમાં 3 થી 4 ગણો વધારો થયો છે.
ભારતમાં 10 જાન્યુઆરીએ હેલ્થ વર્કર, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના બીમાર લોકોને બૂસ્ટર ડોઝની મંજૂરી આપવામાં આવી હતી. એપ્રિલમાં સરકારે 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને બૂસ્ટર ડોઝની મંજૂરી આપી હતી.
આરોગ્ય વિભાગના ડેટા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 18-59 વર્ષની વયના 5,17,547 લોકોને કોરોના રસીનો બૂસ્ટર ડોઝ મળ્યો છે. આ ઉપરાંત 47,36,567 હેલ્થ વર્કર્સ, 7447,184 ફ્રન્ટ લાઇન વર્કર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના 14,545,595 લોકોને રસીના બૂસ્ટર ડોઝ મળ્યા છે.