જામનગર શહેરના રણમલ તળાવ પાછળના ભાગે ગઈકાલે સવારે એક અજ્ઞાત પુરૂષનો મૃતદેહ સાંપડયો હતો. ફાયર વિભાગની ટીમે મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપી આપ્યો હતો. પોલીસ દ્વારા મૃતદેહની ઓળખ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગેની વિગત મુજબ, જામનગરના રણમલ તળાવના પાછળના ભાગના હિસ્સામાં દિગ્વીજય પ્લોટ પોલીસ ચોકી સામેના ભાગમાં ગઈકાલે સોમવારે એક માનવ મૃતદેહ પાણીમાં તરતો હોવાથી ત્યાંથી પસાર થનારા રાહદારીએ જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાને જાણ કરી હતી. જેથી ફાયર શાખાના રાકેશ ગોકાણી સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને મૃતદેહને પાણીમાંથી બહાર કાઢયો હતો અને પોલીસને સુપ્રત કર્યો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકની ઉંમર 45 વર્ષની હોવાનું જ્યારે તેણે બ્લુ કલરનો બાંધણી વાળો ઝબ્બો અને જીન્સનું પેન્ટ પહેરેલું છે. જેની ઓળખ થઈ શકી નથી. પરંતુ બે દિવસથી વધુ સમયથી મૃતદેહ પાણીમાં પડયો હોવાથી કોહવાઈ ગયો છે. સીટી એ ડીવીઝન પોલીસની ટીમ આ મામલે વધુ તપાસ ચલાવે છે. હાલ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવાયા પછી જામનગરની જી. જી. હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે.