મોંઘવારી અને આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાને હવે વીજળી સંકટનો સામનો કરવો પડ્યો છે. સોમવારે પાડોશી દેશમાં પાવર કટ થયો હતો. ઈસ્લામાબાદ, લાહોર અને કરાચી જેવાં શહેરોમાં કેટલાય કલાકોથી લાઈટ નથી. ઊર્જા મંત્રાલયે કહ્યું હતું કે નેશનલ ગ્રિડ સવારે 7:34 વાગ્યે ડાઉન થઈ ગયું, જેને કારણે વીજતંત્ર ખોરવાઈ ગયું હતું. મંત્રાલયે કહ્યું હતું કે સિસ્ટમને સુધારવા માટે ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. આ અંગે ઊર્જા મંત્રાલયે નિવેદન બહાર પાડ્યું હતું. જિયો ન્યૂઝ અનુસાર, ક્વેટા ઇલેક્ટ્રિક સપ્લાય કંપનીએ જણાવ્યું હતું કે બલૂચિસ્તાનનાં 22 શહેર સવારથી વીજળી વગરનાં છે. અહીં ગુડ્ડુ અને ક્વેટા વચ્ચેની બે સપ્લાય લાઈનમાં સમસ્યા છે. પાકિસ્તાન આ વર્ષે નવી ઊર્જા યોજના લઈને આવ્યું છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ પાકિસ્તાનમાં મોટો પાવર કટ થયો હતો.