દેવભૂમિ દ્વારકા જિલ્લાની બંને વિધાનસભા બેઠક ખંભાળિયા અને દ્વારકાની ચૂંટણીનું મતદાન તાજેતરમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. આ મુદ્દે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા આ બંને બેઠક પર ભાજપના ઉમેદવારોનો વિજય થશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની અતિ ચર્ચાસ્પદ અને ઉત્તેજનાસભર એવી હાઈ પ્રોફાઈલ બની રહેલી 81- ખંભાળિયા વિધાનસભા બેઠક માટે ભાજપના સંનિષ્ઠ અને નિષ્ઠાવાન ઉમેદવાર મુળુભાઈ બેરા તેમજ 82- દ્વારકા બેઠક માટે વર્ષો જૂના સેવાભાવી આગેવાન અને છેલ્લી સાત ટર્મથી ચૂંટાતા પબુભા માણેકની પસંદગી ઉપર પાર્ટીના મોવડી મંડળ દ્વારા પસંદગીનો કળશ મુકવામાં આવ્યો હતો. આ ઉમેદવારોની પસંદગીના સમયથી જ સ્થાનિક આગેવાનો, હોદ્દેદારો કાર્યકરો દ્વારા આ બંને ઉમેદવારો અને કાર્યકરો દ્વારા આ બંને ઉમેદવારો વિજયી બનશે તેવી આશા વ્યક્ત કરી હતી.
ચૂંટણીના પ્રારંભથી મતદાન સુધીના સમયગાળા દરમિયાન ભારતીય જનતા પાર્ટીના નિષ્ઠાવાન આગેવાનો, હોદ્દેદારો તથા કાર્યકરોએ ખભેખભા મિલાવી અને કરવામાં આવેલા લોક સંપર્ક તેમજ પ્રચાર કાર્યને જોતા બંને બેઠક પર ભાજપનો ભગવો લહેરાશે તેવો દ્રઢ વિશ્વાસ દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલે વ્યક્ત કર્યો છે.
ભાજપના શિરમોર સમાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, ભુપેન્દ્રભાઈ પટેલ તથા સી.આર. પાટીલના વડપણ હેઠળ ખેલાયેલા આ ચૂંટણી જંગમાં અન્ય પક્ષો કરતા ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરા અને પબુભા માણેક ઐતિહાસિક લીડ સાથે ચૂંટાઈ આવશે વિશ્વાસભર્યો મત દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના મહામંત્રી મયુરભાઈ ગઢવી, શૈલેષભાઈ કણજારીયા તથા યુવરાજસિંહ વાઢેરે વ્યક્ત કર્યો છે.
આગામી ગુરૂવાર તારીખ 8 ડિસેમ્બરના રોજ મત ગણતરી બાદ ભાજપનો ભગવો લહેરાશે અને ખંભાળિયામાં મુળુભાઈ બેરા અને દ્વારકામાં પબુભા માણેક ધારાસભ્ય પદે સતારૂટ થશે તેવો દાવો દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યો છે.