ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નં. 7ની સામાન્ય ચૂંટણી યોજાઇ હતી. જેની મતગણતરી આજે હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપાની પેનલનો જંગી વિજય થયો હતો. આ ઉમેદવારો વિજેતા થતાં ભાજપાના અગ્રણીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી.

તાજેતરમાં ધ્રોલ નગરપાલિકાની ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીના મતદાનની પ્રક્રિયા યોજાઇ તે પૂર્વે ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નં.7ના એક ઉમેદવારનું મૃત્યુ થતાં વોર્ડ નં. 7ની ચૂંટણી મોકુફ રખાઇ હતી. ત્યારબાદ તા. 16 માર્ચના રોજ વોર્ડ નં. 7ની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાઇ હતી અને તા. 18ના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવનાર હોવાનું જાહેર કરાયું હતું. ગત તા. 16માર્ચને રવિવારના રોજ મતદાન પ્રક્રિયા યોજાયા બાદ આજે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નં.7માં કુલ 10 ઉમેદવારો મેદાને હતા. જેમાં ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારોની પેનલનો વિજય થયો હતો.
ધ્રોલ નગરપાલિકા વોર્ડ નં. 7માં ભાજપાના ઇલાબેન લખમણભાઇ બાંભવાને 1613 મત, ભાજપાના શાન્તુબા સહદેવસિંહ જાડેજાને 1366 મત, ભાજપાના વલ્લભ મોહનભાઇ પરમારને 1361 મત, ભાજપાના લક્ષ્મણ વસ્તાભાઇ નકુમને 1295 મત મળતાં વિજેતા જાહેર કરાયા હતા. જયારે કોંગ્રેસના અંકિતાબા જયેન્દ્રસિંહ ઝાલાને 1039 મત, ઝરીનાબેન હાજીભાઇ મકવાણાને 869 મત, પ્રભાબેન ગોરધનભાઇ પરમારને 827 મત, રણછોડ વેલજીભાઇ પરમારને 993 મત, આમ આદમી પાર્ટીના પ્રદ્યુમનસિંહ ચતુરસિંહ જાડેજાને 141 અને ફિરોઝ મહંમદ મકવાણાને 85 મત મળ્યા હતા. જયારે નોટામાં 19 મત પડયા હતા.
ભાજપાના ચારેય ઉમેદવારોની પેનલનો ભવ્ય વિજય થતાં ભાજપાના અગ્રણીઓ, હોદેદારોએ વિજેતાઓને શુભેચ્છા પાઠવી હતી.