જામનગર શહેરમાં રખડતા ઢોરની સમસ્યા દિન પ્રતિદિન વધતી જઈ રહી છે. અવાર-નવાર રખડતા ઢોરને કારણે નાગરિકોનો ભોગ બનવાના બનાવો સામે આવતા રહે છે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પાસેથી પસાર થતા બાઈકચાલક યુવાનને આડે ગાય ઉતરતા ગાડીમાંથી યુવાન ફંગોળાઈ જતા સામેથી આવતા ટ્રક માથે ફરી વળતા ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યું હતું. કોળી સમાજના પ્રમુખના યુવાન પુત્રનું મૃત્યુ નિપજ્યાની જાણ થતા મોટી સંખ્યામાં જ્ઞાતિના લોકો હોસ્પિટલ દોડી ગયા હતાં. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી ગઈ હતી અને આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

જામનગર શહેરમાં રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે શહેરમાં એક પણ માર્ગ એવો નહીં હોય કે જ્યાં રખડતા ઢોરની સમસ્યા જોવા ન મળે. રખડતા ઢોરને કારણે અવાર-નવાર અકસ્માતો સર્જાતા હોય છે તેમજ આવા રખડતા ઢોર શહેરીજનોને હડફેટે લેતા હોય છે. રખડતા ઢોરના નિયંત્રણ માટે તંત્ર છાશવારે કામગીરી કરતી હોવાનો દેખાવ કરે છે આમ છતાં પરિસ્થિતિ જેમની તેમ જોવા મળતી હોય છે. તાજેતરમાં જામનગર મહાનગરપાલિકાની ટીમે પશુમાલિકોને મળી ઢોરને રસ્તે રઝળતા ન મૂકવા ચેતવણી આપી હતી. ત્યારે જામનગર શહેરમાં રખડતા ઢોરને કારણે વધુ એક યુવાનનો ભોગ લેવાયો છે. જામનગર શહેરમાં ગોકુલનગર વિસ્તારમાં રહેતો મયુરભાઈ વનરાજભાઈ પારેજિયા નામનો 31 વર્ષનો યુવાન તેનું જીજે-10-સીઆર-6902 નંબરનું એકટીવા લઇને ગત રાત્રિના સમયે ગોકુલનગર રડાર ગેઈટ તરફથી જકાતનાકા તરફ આવી રહ્યો હતો. આ દરમિયાન ગોકુલનગર રડાર રોડ પાર્વતી જવેલર્સ પાસે પહોંચતા ગાય આડે ઉતરતા બાઇકચાલક યુવાન ફંગોળાતા સામેથી આવી રહેલ જીજે-10-ઝેડ-9552 નંબરના ટ્રક હેઠળ આવી જતા ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.
આ અંગે મૃતકના કાકા દિનેશભાઈ પારેજિયા દ્વારા જીજે-10-ઝેડ-9552 નંબરના ટ્રક ચાલક વિરૂધ્ધ બેફીકરાઈથી અને ગફલતભરી રીતે ટ્રક ચલાવી અકસ્માત સર્જવા અંગેની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવી છે. આ અકસ્માત અંગે પોલીસને જાણ થતા સિટી સી ના પીએસઆઇ આર ડી ગોહિલ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે તથા હોસ્પિટમાં દોડી ગયો હતો. મૃતક યુવાન કોળી સમાજના જિલ્લા પ્રમુખનો પુત્ર હોય. ઘટનાની જાણ થતા કોળી સમાજના આગેવાનો તથા જ્ઞાતિજનો પણ મોટીસંખ્યામાં હોસ્પિટલમાં દોડી ગયા હતાં. યુવાન પુત્રના મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.