દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કૃષ્ણગઢ ગામમાં રહેતાં વૃધ્ધ દવા લેવા જામનગર જતા હતાં ત્યારે શિવા ગામના પાટીયા પાસે બાઈક આડે કુતરુ ઉતરતા સ્લીપ થવાથી ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. દ્વારકા નજીક આવેલા દરિયાકાંઠેથી પુરૂષનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કૃષ્ણગઢ ગામમાં રહેતાં દેવાભાઈ રાજશીભાઈ ભારવડિયા (ઉ.વ.73) નામના વૃધ્ધ તેમની દવા લેવા માટે બાઈક પર જામનગર જતા હતાં તે દરમિયાન ભાણવડ નજીક 13 કિલોમીટર દૂર શિવા ગામના પાટીયા પાસેથી પસાર થતા હતાં તે દરમિયાન બાઈક આડે કૂતરુ ઉતરતા કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થયું હતું. જેમાં બાઈકચાલક વૃધ્ધને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ દેવાભાઈ ભારવાડિયાનું મોત નિપજયાનું જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર નવનિતભાઈ દ્વારા જાણ કરાતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, દ્વારકાથી ત્રણ કિલોમીટર દૂર આવેલા ગાયત્રી મંદિર નજીકના દરિયાકિનારેથી એક પુરૂષનો મૃતદેહ સાંપડયો હોવાની જાણ સ્થાનિકો દ્વારા કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચી જઇ અજાણ્યા યુવાનના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી જમણા હાથની કલાઈ ઉપર અંગે્રજીમાં ટી અને નાના અક્ષરે ટી.સી. અને આઈ.ઓ.યુ. તથા ગુજરાતીમાં તુલસી ત્રોફાવેલ હોવાનું જણાતા પોલીસના પ્રાથમિક તારણમાં દરિયાના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યાના આધારે પોલીસે મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.