ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા એક વાઘેર વહાણવટી પરિવાર સાથે રૂ. 32.50 લાખની છેતરપિંડી કરવા સબબ સલાયાના એક વિપ્ર યુવાન સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા તાલુકાના સલાયામાં જૂની પોસ્ટ ઓફિસ સામે આવેલા કસ્ટમ રોડ પર રહેતા અને વહાણવટીના વ્યવસાય સાથે સંકળાયેલા હાજી જુનસભાઈ હાજી મુસાભાઈ ગજ્જણ નામના 73 વર્ષના વૃદ્ધ દ્વારા આ જ વિસ્તારમાં રહેતા વિશાલ નવીનભાઈ કિરતસાતા નામના શખ્સ સામે નોંધાવવામાં આવેલી પોલીસ ફરિયાદમાં જાહેર કરવામાં આવ્યું છે કે વર્ષ 2022 ના જુદા જુદા સમયગાળા દરમિયાન ફરિયાદી હાજી જુનસભાઈ ગજ્જણએ વિશાલ કિરતસાતાને પોસ્ટમાં ચાલી રહેલી જુદી જુદી સ્કીમમાં ભરવા માટે રૂપિયા 32,50,000 ની રકમ આપી હતી. પરંતુ વિશાલ દ્વારા પોસ્ટમાં ઉપરોક્ત રકમ ભરવામાં ન આવી હોવાનું ફરિયાદી હાજી જુનસભાઈના ધ્યાને આવ્યું હતું. આ રીતે પોસ્ટમાં રકમ ભરવાના બદલે આરોપી વિશાલ કિરતસાતા દ્વારા આ રકમ ન ભરીને તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર કરવામાં આવ્યું છે.
આ સમગ્ર પ્રકરણ અંગે સલાયા મરીન પોલીસે આઈ.પી.સી. કલમ 406 તથા 420 મુજબ ગુનો નોંધ્યો છે. જે અંગે પોલીસે આરોપીની અટકાયત કરી, આ પ્રકરણમાં અન્ય કોઈ શખ્સો સંડોવાયેલા છે કે કેમ તે સહિતની વિવિધ બાબતે આગળની તપાસ પી.એસ. આઈ. વી.એન. સીંગરખીયા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી છે.