Wednesday, December 25, 2024
Homeરાષ્ટ્રીયમધ્યમ વર્ગને મોટી રાહત, 7 લાખની આવક સુધી કોઇ ટેકસ નહીં

મધ્યમ વર્ગને મોટી રાહત, 7 લાખની આવક સુધી કોઇ ટેકસ નહીં

આવકવેરાના જૂના સ્લેબ ખત્મ કરવામાં આવ્યા તેની જગ્યાએ બજેટમાં નવા પાંચ સ્લેબની જાહેરાત, રૂા. 15 લાખથી વધુની આવક પર લાગશે 30 ટકા ટેકસ : નાણાંમંત્રીએ કહ્યું આઝાદીના સુવર્ણકાળનું આ પ્રથમ બજેટ, આગામી રપ વર્ષની બ્લુપ્રિન્ટ હશે : દેશમાં 50 નવા એરપોર્ટ બનશે

- Advertisement -

કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મલા સીતારમને આજે રજૂ કરેલા પોતાના પાંચમા બજેટમાં મધ્યમ વર્ગ માટે રાહતની સૌથી મોટી જાહેરાત કરી છે. બજેટમાં કરાયેલી જાહેરાત મુજબ હવે 7 લાખની આવક સુધી કોઇ ટેકસ નહીં લાગે. આ ઉપરાંત આવકવેરાની જુની સ્લેબ સિસ્ટમ ખત્મ કરી દેવામાં આવી છે. તેની જગ્યાએ નવી સિસ્ટમની જાહેરાત કરવામાં આવી છે. જાહેર કરવામાં આવેલી નવા ટેકસ સ્લેબ મુજબ 0 થી 3 લાખ સુધી શૂન્ય ટેકસ, 3 થી 6 લાખ સુધી પાંચ ટકા, 6 થી 9 લાખ સુધી 10 ટકા, 9 થી 12 લાખ સુધી 15 ટકા, 1ર થી 1પ લાખ સુધી 20 ટકા અને 15 લાખથી વધુ પર 30 ટકા આવકવેરો ભરપાઇ કરવો પડશે.

- Advertisement -

કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મલા સીતારમને આજે સવારે 11 વાગ્યે સંસદમાં પાંચમી વખત કેન્દ્રિય બજેટ રજૂ કર્યુ હતું. બજેટના પ્રારંભે નાણાંમંત્રીએ કહ્યું કે દેશની આઝાદીના સુવર્ણકાળનું આ પહેલું બજેટ છે. ખાસ કરીને યુવાનો અને મધ્યમ વર્ગના લોકોને આર્થિક મજબૂતી આપવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. આ બજેટ આગામી રપ વર્ષની બ્લુપ્રિન્ટ હશે. નાણાંમંત્રીએ પોતાની બજેટ સ્પીચમાં જણાવ્યું કે, વિશ્ર્વમાં મંદીનો માહોલ હોવા છતાં ભારતમાં ચાલુ વર્ષનો વિકાસદર 7 ટકાની આસપાસ રહેવાનું અનુમાન છે.

નાણાંમંત્રી નિર્મલા સિતારમણે કહ્યું હતું કે, સરકારે કોરોના કાળમાં એવું નક્કી કર્યું હતું કે, કોઈ ભુખ્યુ ના સુવે, અમારા કાર્યકાળમાં 47.8 કરોડ જનધન ખાતા ખોલવામાં આવ્યાં છે. તે સિવાય 14 કરોડથી વધુ ખેડૂતોને પીએમ કિસાન સમ્માન નીધિ હેઠળ મદદ આપવામાં આવી છે. કોરોના કાળમાં 80 કરોડથી વધુ ગરીબોને 28 મહિનાથી મફતમાં રાશન આપવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત હવે પ્રતિ વ્યક્તિની આવક વધીને 1.97 લાખ રૂપિયા થઈ ગઈ છે. નાણા મંત્રી નિર્મલા સિતારમણે કહ્યું હતું કે, દેશમાં કૃષિ સાથે જોડાયેલા સ્ટાર્ટઅપને પ્રાથમિકતા આપવામાં આવશે. આ માટે યુવાન ઉદ્યમીઓ દ્વારા કૃષિ સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરવા માટે એગ્રિકલ્ચર એક્સિલેટર ફંડ તૈયાર કરવામાં આવશે.
નાણાંમંત્રીએ જણાવ્યું હતું કે વર્ષ 2014થી સરકારે પ્રયાસો કરી તમામ નાગરિકો માટે જીવનની સારી ગુણવત્તા અને ગૌરવપૂર્ણ જીવન સુનિશ્ર્ચિત કર્યું છે. માથાદીઠ આવક બમણાથી વધુ વધી રૂપિયા 1.97 લાખે પહોંચ્યું છે. આ 9 વર્ષોમાં ભારતીય અર્થતંત્ર વિશ્ર્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે.

- Advertisement -

શેરબજાર ખુશ હુઆ…

ભારતીય શેરબજારમાં આજે ફરી એકવખત નિર્મલા ઇફેકટ જોવા મળી છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલી બજેટ ઘોષણાઓને શેરબજારે હાથોહાથ વધાવી લીધી હોય તેમ સેન્સેકસમાં 1200 પોઇન્ટ અને નિફટીમાં 300 પોઇન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ડોલર સામે રૂપિયો પણ મજબૂત થતો જોવાયો છે. શરૂઆતમાં ભારે ઉતાર-ચઢાવ બાદ બજેટ રજૂ થતાં જ શેરબજાર સ્થિર થઇ ગયું હતું અને જેમ-જેમ નાણાંમંત્રી ઘોષણા કરતાં ગયા તેમ-તેમ ઇન્ડેકસમા સતત ઉછાળો જોવા મળતો ગયો.

- Advertisement -

20 લાખ કરોડનું કૃષિ લોન ફંડ

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કૃષિ ક્ષેત્રે માટે મહત્વની અને મોટી ઘોષણાઓ કરી છે. જેમાં 20 લાખ કરોડના કૃષિ લોન ફંડનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત શ્રી અન્ન યોજનાને પ્રોત્સાહન આપવામાં આવશે. જયારે આધુનિક ટેકનિકથી ઉત્પાદન વધારવા બાગવાની યોજના માટે 2200 કરોડની ફાળવણી કરવામાં આવશે. કૃષિ ક્ષેત્ર માટે સ્ટોર ક્ષમતા વધારવામાં આવશે. જયારે 11 કરોડ ખેડૂતોને 2.2 લાખ કરોડની મદદ કરવામાં આવશે.

રેલવે માટે રૂપિયા 2.4 લાખ કરોડની ફાળવણી

રેલવે બજેટને સામાન્ય બજેટમાં સમાવેશ કરી લેવાયા બાદ નાણાંમંત્રીએ આજે રજૂ કરેલા બજેટમાં રેલવે માટે અત્યાર સુધીની સૌથી મોટી રૂા. 2.4 લાખ કરોડની ફાળવણી કરી હતી. રેલવેની જુદી-જુદી યોજનાઓ માટે 75,000 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત રેલવેમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવા માટે પણ પ્રયાસો કરવામાં આવશે. નાણાંમંત્રીએ જણાવ્યું કે, રેલવેમાં જુદી-જુદી 100 નવી યોજનાઓની ઓળખ કરી લેવામાં આવી છે.

શું સસ્તું થશે ?

ઈલેક્ટ્રિક વ્હિકલ
કેમેરા લેન્સ
સાયકલ
મોબાઈલના સ્પેર પાર્ટ્સ
સોના-ચાંદીના દાગીના
એલઈડી ટેલિવિઝન
રમકડા
ઈ-બેટરીને કસ્ટમ ડ્યુટીમાં રાહત

શું મોઘું થશે ?

વિદેશી કિચન ચીમની
ઈમ્પોર્ટેડ દરવાજા
સિગારેટ અને તમાકુ બનાવટ
ચાંદીના વાસણો
વિટામીન
પ્રાઇવેટ જેટ, હેલિકોપ્ટર
પ્લાસ્ટિકનો સામાન
રબ્બર કમ્પાઉન્ડ

બજેટની મોટી અને મહત્વની જાહેરાતો

  • ચાલુ વર્ષનો વિકાસ અનુમાન 7 ટકાની આસપાસ રહે તેવો અનુમાન.
  • નાણામંત્રીએ કહ્યું કે, દેશની આઝાદીના સુવર્ણકાળનું આ પ્રથમ બજેટ છે. ખાસ કરીને યુવાનો અને તમામ વર્ગના લોકોને આર્થિક મજબૂતી આપવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. વિશ્ર્વમાં મંદી હોવા છતાં, ચાલુ વર્ષનો વિકાસ અનુમાન 7 ટકાની આસપાસ રહે તેવો અનુમાન છે.
  • જન-ધન યોજના હેઠળ બેંકમાં ખાતું ખોલવા જરૂરી KYCની પ્રક્રિયા વીડિયો કોલ દ્વારા કરવામાં આવશે.
    સરકાર યુવાનો માટે કૌશલ્ય યુવા કેન્દ્રો બનાવવા પર ભાર મૂકશે અને 30 સ્કીલ ઈન્ડિયા કેન્દ્રોની સ્થાપના કરશે.
    ઉર્જા સુરક્ષાના ક્ષેત્રમાં 35 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં 20,700 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.
  • ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં શ્રેષ્ઠતા લાવવા માટે ત્રણ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવશે.
    ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મિલેટ્સ ટૂંક સમયમાં તૈયાર કરવમાં આવશે.
    ભારત 100 દ્વારા, દેશ વિશ્ર્વભરમાં મજબૂત થશે. ગ્રામીણ મહિલાઓ માટે 81 લાખ સ્વ-સહાય જૂથોને મદદ મળી છે, જેમાં વધુ વધારો કરવામાં આવશે.
  • પીએમ વિશ્ર્વ કર્મ કૌશલ સન્માન, હસ્તકલા અને વેપારમાં કામ કરતા લોકોએ કલા અને હસ્તકલામાં યોગદાન આપ્યું.જે આત્મનિર્ભર ભારત માટે એક મહત્વપૂર્ણ પગલું છે.
  • દેશમાં ફાર્માસ્યુટિકલ્સને પ્રોત્સાહન આપવા માટે એક નવો ફાર્મા પ્રોગ્રામ બનાવવામાં આવશે. મેડિકલ કોલેજ માટે લેબની વ્યવસ્થા કરવામાં આવશે. મેડિકલ સાધનો બનાવવાના કોર્સ શરૂ કરવામાં આવશે.
    પીએમ આવાસ યોજનાનું બજેટ 66 ટકા વધારી 79 હજાર કરોડ કરાયુ.
  • ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ 33 ટકા વધારી 10 લાખ કરોડ કરાયો.
  • કૃષિ ક્ષેત્રે 20 લાખ કરોડ સુધીની લોન આપવાનું લક્ષ્ય.
  • 2024થી બનેલી વર્તમાન 157 મેડિકલ કોલેજ સાથે કોલોકેશનમાં 157 નવી નર્સિંગ કોલેજ સ્થાપવામાં આવશે.
  • હવાઈ કનેક્ટિવિટી વધારવા માટે દેશમાં 50 નવા ઍરપોર્ટ બનાવવાની જોગવાઈ.
  • KYC પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે અને સંપૂર્ણ રીતે ડિજિટાઇઝ કરવામાં આવશે.
  • કોમન પોર્ટલ દ્વારા એક જ જગ્યાએ ડેટા જમા કરવામાં આવશે, જેથી વારંવાર ડેટા આપવાની જરૂર રહેશે નહીં.
    દેશમાં 50 નવા એરપોર્ટ બનશે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular