જામનગરમાં ધીમે ધીમે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. લગ્નપ્રસંગોના માહોલ વચ્ચે જામનગર શહેરમાં અન્ય જીલ્લા તેમજ રાજ્યોમાંથી લોકોની અવરજવર થઇ રહી છે ત્યારે જામનગર શહેરમાં ગઈકાલે કોરોનાના 7 કેસ નોંધાયા હતા. ત્યારે આજે રોજ 10 કેસ નોંધાયા છે.
જામનગરમાં આજે નોંધાયેલા કોરોનાના 10 કેસ ચિંતાજનક આંકડો છે. આજે શહેરમાંથી 1 દર્દીને રજા આપવામાં આવી છે. તો થોડા દિવસ પહેલા જામનગરમાં ગુજરાતનો પ્રથમ કોરોનાના ઓમીક્રોન વેરીયન્ટનો કેસ નોંધાયો છે. અને આ દર્દીના સંપર્કમાં આવેલા બે લોકો કોરોનાગ્રસ્ત થતા ઓમીક્રોનની ચકાસણી માટેના રીપોર્ટ હજુ સુધી આવ્યા નથી. પરંતુ જામનગર વાસીઓએ સાવચેત રહેવાની જરૂર છે, કારણકે ધીમે ધીમે સંક્રમણ વધી રહ્યું છે. જામનગર ગ્રામ્યમાં આજે એક પણ કેસ નોંધાયો નથી તે સારી વાત છે પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે.
અંતે ઉલ્લેખનીય છે કે જામનગર ઉપરાંત ગુજરાતમાં પણ કોરોનાના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં પણ કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. ગઈકાલે રાજ્યમાં કોરોનાના 67 કેસ નોંધાયા હતા. ગઈકાલે અમદાવાદ, સુરત અને વડોદરા બાદ સૌથી વધુ કેસ જામનગરમાં નોંધાયા હતા. ત્યારે આજે ગઈકાલ કરતાં નોંધાયેલા કેસમાં 3નો વધારો થયો છે. જામનગરના લોકોએ માસ્ક તેમજ સોશિયલ ડીસ્ટન્સના નિયમોનું પાલન સહીત બિનજરૂરી ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોશે. નહીતર કોરોનાના કેસમાં વધારો થતા વાર નહી લાગે.