રાજકોટના ગોંડલ રોડ પર રહેતાં મહિલાના તથા પરિવારજનોના હકક કમી કરવા માટે પરિવારના જ શખ્સે બનાવટી સોગંદનામા તૈયાર કરી ખોટી વ્યક્તિઓના ફોટા ચોટાડી તથા બનાવટી ચૂંટણી કાર્ડ અને બનાવટી સોગંદનામુ મામલતદાર કચેરીમાં રજૂ કરી વિશ્વાસઘાત કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, રાજકોટના ગોંડલ રોડ પર આવેલા રામનગરમાં રહેતાં વિણાબેન ભરતકુમાર ચાવડા (ઉ.વ.44) નામની મહિલા તથા અન્ય પરિવારજનોના જાયવા ગામના સર્વે નંબર 864 હે.આરે.ચો.5-81-73 વાળી વારસાઈ જમીનમાંથી અમીત મધુસુદન ઠકરાર નામના શખ્સે મહિલા તથા અન્ય પરિવારજનોના હકક કમી કરવા માટે રૂા.20 ના સ્ટેમ્પ ઉપર બનાવટી સોગંદનામુ તૈયાર કરાવી અન્ય વ્યક્તિઓના ફોટા ચોટાડી ખોટી સહિઓ તથા અંગુઠા મારી અને બનાવટી ચૂંટણી કાર્ડ તથા બનાવટી સોગંદનામુ હક્ક કમી કરવા માટે ધ્રોલની મામલતદાર કચેરીમાં જમા કરાવ્યું હતું. આ વિશ્વાસઘાત કર્યાનું ખુલતા મહિલા દ્વારા ધ્રોલ પોલીસ સ્ટેશનમાં શખ્સ વિરૂધ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવાઈ છે. જેના આધારે પીએસઆઈ પી જી પનારા તથા સ્ટાફે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.