બિહારના મુઝફફરપુરમાં ભિખારીઓએ પોતાની જ અનોખી બેન્ક ખોલી છે. ભીખારી ભીખમાં મળેલા રૂપિયા આ બેન્કમાં જમા કરે છે. આ રકમ પર તેમને વ્યાજ પણ આપવામાં આવે છે. જરૂર પડતા ભિખારીઓને લોન પણ આપવામાં આવે છે. આ ગ્રુપના સભ્યોમાં ભિખારીઓ ઉપરાંત આર્થિક રીતે નબળા વર્ગના સભ્યો છે. તેમાં લારીવાળો અને રીક્ષાવાળા સામેલ છે. આ બેન્કની સંચાલન પ્રક્રિયા કંઇક આ પ્રકારની છે. લગભગ 175 ભિખારીઓએ જુદા-જુદા પાંચ સેલ્ફ હેલ્પ ગ્રુપ બનાવી રાખ્યા છે. આ સેલ્ફ હેલ્પ ગ્રુપની દરેક રવિવારે જુદી-જુદી નિતિ જગ્યાએ બેઠક થાય છે.
આ બેઠકમાં ભવિષ્યની યોજનાઓનું આયોજન કરવામાં આવે છે. સ્થાનિક મહિલા લલિતાદેવીએ જણાવ્યુ હતુ કે રૂપિયા ઓછા હોવાથી તે પુત્રીના લગ્ન કરી રહી ન હતી. આ પ્રસંગે તેને ભિખારીઓની બેન્કમાંથી 20 હજાર રૂપિયાની લોન મળી ગઇ. તેનાથી તેની હેરાનગતિ ખતમ થઇ ગઇ. અહીંથી મળેલી લોનની મદદથી થોડા મહિના પહેલા જ શેરપુર ઢાબાના દિનેશ સાહની અને અખાડાઘાટની લલિતાદેવી અને સિકંદરપુરના મોહનરાયે પોતાના સંતાનોના લગ્ન કર્યા હતા. બે અન્ય કુટુંબે બિમાર પુત્રોનો ઇલાજ કરાવ્યો. તુલસી સમુહની સચિવ વિભાદેવીએ જણાવ્યુ હતુ કે અમારૂ દસ લોકોનુ જૂથ છે એક વર્ષ કરતા વધારે સમયથી સમૂહનું સંચાલન કરવામાં આવી રહ્યુ છે. આજે સમૂહની પાસે 20 હજાર રૂપિયા છે. જરૂર પડતા રૂપિયાના દસમાં ભાગે વ્યાજ લેવામાં આવે છે. તાજેતરમાં મોહનકુમારને પુત્રીના લગ્ન માટે પાંચ હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા જે લારી ચલાવે છે.